અમરેલી, 29 ઓગસ્ટ, 2026 : Two youths on bike killed after being hit by tractor જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ જાફરાબાદના નાગેશ્રી-ચોત્રા રોડ પર સર્જાયો હતો, મોડી રાત્રે બાઇક અને ટ્રેક્ટર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બાઇક પર સવાર બે યુવકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. આ અકસ્માત બાદ ટ્રેક્ટર ચાલક ફરાર થઈ ગયો હતો.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, જાફરાબાદના નાગેશ્રી-ચોત્રા રોડ પર મોડી રાતે 2 વાગ્યા આસપાસ ટ્રેકટર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. નાગેશ્રીના રહેવાસી મહાવીર જશુ વરૂ અને શ્યામ રામ જોગદીયા ચોત્રા ગામથી નાગેશ્રી પોતાના ઘરે બાઈક પર પરત ફરી રહ્યા હતા. ત્યારે ચોત્રા રોડ પર શીતળા માતાના મંદિર નજીક પહોંચતા સામેથી પૂરપાટ ઝડપે આવી રહેલા ટ્રેક્ટરે બાઈકને ટક્કર મારતા બાઈકસવાર બન્ને યુવાનો રોડ પર પટકાયા હતા. અકસ્માત એટલો ભયાવહ હતો કે, લોહીલુહાણ હાલતમાં ઘટનાસ્થળે જ બંને યુવાનોના મોત થયા હતા. બાઈકના પણ ફૂરચેફૂરચા નીકળી ગયા હતા. નાગેશ્રી પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી મૃતદેહોનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડ્યા હતા.
નાગેશ્રી PSI કે.ડી. હડિયાની ટીમે ફરાર ટ્રેક્ટર ચાલકને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી છે. આ દુર્ઘટના રક્ષાબંધનના તહેવારના દિવસે જ બની છે. રક્ષાબંધનના તહેવાર વચ્ચે મૃતક યુવકોના પરિવારોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. મૃતક મહાવીર વરૂના લગ્ન થઈ ગયા હતા. જ્યારે શ્યામ જોગદીયા અપરણિત હતો.


