ગાંધીનગર, 29 ઓગસ્ટ, 2026 : Reservoirs will be filled through the Sauni scheme.સૌરાષ્ટ્રના દ્વારકા અને જામનગર વિસ્તારના નાગરિકો તથા ખેડૂતોના હિતમાં રાજ્ય સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. સામાન્ય રીતે આ વિસ્તારમાં સ્થાનિક ડેમો મારફતે સિંચાઈનું પાણી પૂરું પાડવામાં આવતું હોય છે, પરંતુ વર્તમાન સમયે ઓછો વરસાદ હોવાના કારણે નર્મદા બેસીનમાં પણ પાણી સામાન્ય સંગ્રહ કરતા ઓછું છે.
આમ છતાં, દ્વારકા અને જામનગરની સ્થાનિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે સૌની યોજનાની પાઇપલાઇન દ્વારા મચ્છુ-૨ જળાશયમાંથી પાણી ઉપાડીને આ જિલ્લાઓમાં આપવા ખાસ મંજૂરી આપી દીધી છે.
રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં સૌની લીન્ક-૧ મારફતે ૬૦૦ ક્યુસેક પાણી ઉપાડવામાં આવી રહ્યું છે. આ ઉપાડવામાં આવેલા પાણીમાંથી સૌથી પહેલા પીવાના પાણીને પ્રાધાન્ય આપવામાં આવશે અને ત્યારબાદ બાકી રહેતું પાણી ખેતી તથા સિંચાઈ માટે પૂરું પાડવામાં આવશે.
રાજ્ય સરકારના આ પ્રજાલક્ષી નિર્ણયથી દ્વારકા અને જામનગર જિલ્લાના વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા હળવી થશે તેમજ સિંચાઈ માટે પણ મોટી રાહત મળી રહેશે.


