Homeગુજરાતીગુજરાતરાજકોટમાં 5 દિવસીય જન્માષ્ટમીના મેળાનો બુધવારથી થશે દબદબાભેર પ્રારંભ

રાજકોટમાં 5 દિવસીય જન્માષ્ટમીના મેળાનો બુધવારથી થશે દબદબાભેર પ્રારંભ

રાજકોટ, 1 સપ્ટેમ્બર, 2026 :  Janmashtami fair to begin from Wednesday સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમીના પર્વ દરમિયાન ગામેગામ લોકમેળાઓ યોજાશે. જેમાં સૌથી મોટો ગણાતો રંગીલા રાજકોટના લોકમેળાનો આવતી કાલે બુધવારથી પ્રારંભ થશે. રાજકોટ શહેરના રેસકોર્ષ પર યોજાનારા 5 દિવસીય લોકમેળાને વિરાસતથી વિકાસ નામ આપવામાં આવ્યું છે. વહિવટી તંત્ર દ્વારા લોકમેળા માટેની આગોતરી તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. 5 દિવસીય મેળામાં 15 લાખથી વધુ લોકો ઉમટી પડે તેવી શક્યતા છે.

રાજકોટ શહેરના રેસકોર્ષના વિશાળ મેદાન પર સૌરાષ્ટ્રના સૌથી મોટા અને ભાતીગળ લોકમેળાનો આવતી કાલે તા. 2 સપ્ટેમ્બરથી ભવ્ય પ્રારંભ થશે. આ 5 દિવસીય લોકમેળા માટે વહીવટી તંત્ર અને શહેર પોલીસે તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. લોકમેળામાં 15 લાખથી વધુ મુલાકાતીઓની સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા માટે 1500થી વધુ પોલીસ કર્મીઓનો કાફલો, 10 માર્ગો પર નો-એન્ટ્રી, 14 ફ્રી પાર્કિંગ પ્લોટ્સ તેમજ ₹10 કરોડના વીમા કવચ સહિતનું અભેદ આયોજન કરવામાં આવ્યું છે.

રંગીલા રાજકોટના લોકમેળાને માણવા માટે સૌરાષ્ટ્રભરમાંથી લોકો ઉમટી પડશે. ત્યારે બહારગામથી આવતા લોકો કોઈપણ મુશ્કેલી વગર રેસકોર્ષ મેદાન પર પહોંચી શકે તે માટે સરળ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જો મુલાકાતીઓ રાજકોટ રેલવે જંકશન ખાતે ટ્રેન મારફતે આવે, તો તેઓ ત્યાંથી રિક્ષા દ્વારા અથવા ચાલીને રૂડા બિલ્ડિંગવાળા માર્ગેથી પોલીસ હેડક્વાર્ટર તરફ થઈને સીધા મેળા પરિસરમાં પ્રવેશી શકશે. જ્યારે સેન્ટ્રલ બસપોર્ટ ખાતે ઉતરતા મુસાફરો ઓટોરિક્ષા અથવા સિટીબસની મદદથી જિલ્લા પંચાયત ચોક સુધી પહોંચી શકે છે અને ત્યાંથી થોડા અંતરે ચાલીને લોકમેળાના મુખ્ય પ્રવેશદ્વાર સુધી સરળતાથી પહોંચી શકશે.

લોકમેળા દરમિયાન શહેરના મુખ્ય માર્ગો પર વાહન વ્યવહારનું સુચારુ સંચાલન જળવાઈ રહે તે માટે પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા દ્વારા 2 સપ્ટેમ્બરથી 6 સપ્ટેમ્બર, 2026 સુધી 5 દિવસ માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ જાહેરનામા અંતર્ગત રેસકોર્સ વિસ્તારને જોડતા 10 જેટલા રસ્તાઓ પર નો-એન્ટ્રી અને નો-પાર્કિંગ ઝોન લાગુ કરવામાં આવ્યો છે. જેમાં મુખ્યત્વે જિલ્લા પંચાયત ચોકથી જૂના NCC ચોક, ટ્રાફિક શાખાથી હેડ ક્વાર્ટર, IB ઓફિસથી રૂરલ SP બંગલા, સુરજ-1 એપાર્ટમેન્ટથી મેળાના મુખ્ય ગેટ તેમજ ચાણક્ય બિલ્ડિંગ ચોકથી જિલ્લા પંચાયત ચોક સુધીના તમામ રસ્તાઓ પર વાહનોની અવરજવર અને પાર્કિંગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular