Homeગુજરાતીગુજરાતઅમદાવાદના હંસપુરામાં વિદેશના લોકો સાથે છેતરપિંડી કરતું કોલ સેન્ટર પકડાયુ

અમદાવાદના હંસપુરામાં વિદેશના લોકો સાથે છેતરપિંડી કરતું કોલ સેન્ટર પકડાયુ

અમદાવાદ, 24 સપ્ટેમ્બર,2026 : Call center caught cheating people from abroad શહેરના નરોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા હંસપુરામાં વિદેશના નાગરિકો સાથે છેતરપિંડી કરતું કોલ સેન્ટર પકડીને બે યુવતી સહિત 7 આરોપીની પોલીસે ધરપકડ કરી છે. આરોપીઓ દ્વારા અમેરિકન નાગરિકોના બેન્ક એકાઉન્ટનો ડેટા મેળવીને બેંકના વકીલ હોવાની ખોટી ઓળખ આપી લોન સેટલમેન્ટ કરવાના બહાને ઈ-મેલ કરતા હતા. જો કોઈપણ વ્યક્તિ રીપ્લાય આપે તો સસ્તામાં લોન સેટલમેન્ટ કરવાની લાલચ આપી ક્રેડિટ કાર્ડની વિગત મેળવીને અમેરિકન નાગરિકના બેંક ખાતામાંથી પૈસા કાપીને બિટકોઈન સ્વરૂપે મેળવી ભારતીય નાણામાં રૂપાંતરિત કરી દેતા હતા અને આંગડિયા પેઢીથી પૈસા મેળવી લેતા હતા. પોલીસે આરોપીના રિમાન્ડ મેળવવાની તજવીજ થ ધરી છે.

આ બનાવની વિગત એવી છે. કે, શહેરના નરોડા વિસ્તારમાં આવેલા હંસપુરામાં બાતમીને આધારે પોલીસે રેડ પાડીને કોલ સેન્ટર પકડી પાડ્યું હતું. કોલ સેન્ટર દ્વારા વિદેશમાં ખાસ કરીને અમેરિકા કોલ કરીને લોન સેટલમેન્ટ કરવાની લાલચ આપીને છેતરપિંડી કરવામાં આવતી હતી. કોલ સેન્ટરનો સંચાલક ગણાતો મુખ્ય આરોપી જીગ્નેશ પણ  અગાઉ કોલ સેન્ટરમાં કામ કરી ચૂક્યો છે અને બાકીના લોકોને તેણે 10,000 રૂપિયા માસિક પગાર ઉપર નોકરીએ રાખ્યા હતા. કોલ સેન્ટર છેલ્લા પાંચથી છ મહિનાથી ચલાવવામાં આવી રહ્યું હતું. અગાઉ શરૂઆતમાં ડેટા એન્ટ્રીનું કામ શરૂ કરાયું હતું, જોકે તેમાં તેની સાથે છેતરપિંડી થઈ હતી. ત્યારબાદ તેણે યુવક યુવતીને નોકરી પર રાખીને કોલ સેન્ટર શરૂ કરી દીધું હતું. બે યુવતીમાંથી એક યુવતી તેની બહેન છે. અંદાજિત 10 લાખ લોકોને તેણે બલ્ક મેસેજ કર્યા હતા, જેમાં અત્યાર સુધીમાં 200થી વધુ લોકો ભોગ બની ચૂક્યા છે. ટેલિગ્રામના ગ્રુપ અને ક્રિપ્ટો કરન્સીના જે વોલેટ મળ્યા છે, તેની તપાસ કરવામાં આવશે અને મુખ્ય આરોપી સુધી પહોંચવાની તજવીજ આગળ કરાશે.

 પોલીસ સૂત્રોના કહેવા મુજબ શહેરના નરોડા પોલીસ સ્ટેશનના સેકન્ડ પીઆઇ કોટડીયાને બાતમી મળી હતી કે હંસપુરા સાહિત્ય આર્કેડના પ્રથમ માળે આવેલી દુકાનમાં જીગ્નેશ ઝાલાહર નામનો યુવક ગેરકાયદેસર કોલ સેન્ટર ચલાવી રહ્યો છે. જેના આધારે નરોડા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા દુકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. દુકાનમાં ચાર અલગ અલગ ટેબલો રાખીને તેની ઉપર બે યુવતીઓ સહિત સાત લોકો લેપટોપ પર બેસીને કામ કરી રહ્યા હતા. આરોપી જીગ્નેશ દ્વારા તેના કર્મચારીઓને અમેરિકન નાગરિકોનો ઇમેલ એડ્રેસનો ડેટા આપવામાં આવ્યો હતો, જેમાં બેંકના વકીલ હોવાની ઓળખ આપીને સસ્તામાં લોન સેટલમેન્ટ કરવાના સ્ક્રિપ્ટેડ મેસેજ મોકલવામાં આવતા હતા. જો કોઈ મેસેજ નો રીપ્લાય આપવામાં આવે તો આગળ જીગ્નેશ દ્વારા વાતચીત કરવામાં આવતી હતી. સસ્તામાં લોન સેટલમેન્ટ કરવા લલચાવી તેઓના ક્રેડિટ કાર્ડની સંપૂર્ણ વિગત મેળવતો હતો. ટેલિગ્રામ અને વોટ્સએપ એપ્લિકેશન મારફતે અલગ અલગ વેન્ડરને મોકલી અને નક્કી કરેલી રકમ અમેરિકન નાગરિકોના બેંક ખાતામાંથી કાપતા હતા. જેમાંથી 50 ટકા રકમ જીગ્નેશના ટ્રસ્ટ વોલેટ એપ્લિકેશનના વોલેટ આઈડી પર બિટકોઈન મારફતે આપવામાં આવતી હતી. ત્યારબાદ ટેલિગ્રામ ગ્રુપનો સંપર્ક કરી બિટકોઈને ભારતીય રકમમાં રૂપાંતરિત કરી આંગળીયા પેઢી મારફતે પૈસા મેળવી લેતો હતો.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular