રાજકોટ, 4 ઓક્ટોબર, 2026 : Fake constable caught જિલ્લાના શાપર વિસ્તારમાં કોરાટ ચોક નજીક પોલીના યુનિફોર્મમાં લોકોમાં રોફ જમાવતો નકલી પોલીસ કોન્સ્ટેબલ પકડાયો છે. કિશોર સલાટ નામનો શખસ પોલીસનો યુનિફોર્મ પહેરીને લોકોમાં રોફ જમાવતો હોવાની માહિતી મળતા જ શાપર પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી ગયો હતો. અને નકલી પોલીસને અટકાવીને પૂછતાછ કરતા ભાંડો ફૂટી જતા પોલીસે આરોપી નકલી પોલીસ કિશોર સલાટની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ બનાવમાં રાજકોટ જિલ્લાના શાપર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એએસઆઈ દિશાબેન મહેશભાઇ જોશીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તા.03.10.2026ના પેટ્રોલીંગમાં હતા તે દરમિમાન પારડી બ્રીજ પાસે આવતા બાતમી મળી હતી કે, રાજકોટ-ગોંડલ નેશનલ હાઇ-વે, કોરાટ ચોક ખાતે કોઇ પોલીસનો યુનીફોર્મ પહેરીને ડુપ્લીકેટ પોલીસ બનીને પબ્લીકમાં પોલીસ હોવાનો રોફ જમાવે છે. જેથી 3 વાગ્યે સ્થળ પર પહોંચી તપાસ કરતા એક હીરો કંપનીનું સ્પ્લેન્ડર GJ.03.MP.8123 લઇ પોલીસ યુનીફોર્મ પહેરીને એક શખસ બેઠો હતો જેનું નામ પૂછતાં કિશોર મંગાભાઇ સલાટ હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ તેની પુછપરછ કરતા પોતે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હોવાનું જણાવ્યું હતું જેથી ઉંડાણ પુર્વક પુછપરછ કરતા તે ભાંગી પડ્યો હતો અને પોતે પોલીસમાં નહી હોવાનું જણાવ્યું હતું. તેને પોલીસનો યુનીફોર્મ પહેર્યો હતો જેમાં સોલ્ડર પર G.P.ના સોલ્ડર લગાવેલ હતા, લાનીયર તથા જમણા હાથે ગુજરાત પોલીસનો બેઝ અને ગુજરાત પોલીસનો બેલ્ટ પહેરેલ હતો. હાલ પોલીસે આરોપી પાસેથી બે મોબાઈલ અને એક બાઈક મળી રૂપિયા 40,000નો મુદામાલ કબ્જે કરી તેના વિરુધ્ધ BNS કલમ 204 તથા 205 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે આરોપી કિશોર સલાટ દ્વારા કોઈ નાગરિક પાસેથી રોફ જમાવી રૂપિયા પડાવવામાં આવ્યા છે કે કેમ તેમજ પોતે આ રીત કેટલા સમયથી પોલી બની કઈ કઈ જગ્યાએ આંટાફેરા કરતો હતો સહિતની દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.


