અમદાવાદ, 13 ઓક્ટોબર, 2026 : 119 bags of subsidized urea fertilizer seized શહેરના નારોલ વિસ્તારમાં પીપળજ-પીરાણા રોડ આવેલી કાજલ ટેક્ષટાઇલ્સ મીલમાં ખેડૂતો માટે અપાતા સબસીડીવાળા નીમ કોટેડ યુરિયા ખાતરની 119 ભરેલી બોરીઓ અને 16 ખાલી થેલીઓ જપ્ત પોલીસે જપ્ત કરી છે. આ મામલે ખેતી અધિકારીએ કંપનીના માલિક ઐયુબ સુરતી અને મેનેજર જુબેર પાલીવાલા સામે ફરિયાદ નોંધાવી છે.
રાજ્યના ખેડૂતોને સબસિડીથી અપાતા યુરિયા ખાતરનો જથ્થો કાળા બજારમાં પગ કરી જતો હોય છે. જ્યારે બીજી બાજુ ખેડૂતોને યુરિયા ખાતરનો જથ્થો મળતો નથી. ત્યારે નરોડા પોલીસે ટેક્સટાઈલની એક મિલમાંથી સબસિડીવાળા યુરિયા ખાતરની 119 બોરી ઝડપી લીધી છે. શહેરના નારોલ પોલીસ ટીમે પીપળજ-પીરાણા રોડ પર સ્થિત કાજલ ટેક્ષટાઇલ્સ મીલ પ્રા. લી. ખાતે તપાસ હાથ ધરી હતી. ગોડાઉનમાં તપાસ દરમિયાન ‘પ્રધાનમંત્રી ભારતીય જન ઉર્વરક પરિયોજના’ હેઠળ માત્ર ખેતીવાડી માટે અનામત રખાતું સબસીડીવાળું નીમ કોટેડ યુરિયા ખાતર મળી આવ્યું હતું. સરકારી ખાતરનો સ્ટોક રાખવા અંગે કોઈ આધાર-પુરાવા ન હોવાથી ગોડાઉન મેનેજર જુબેર પાલીવાલાની કડક પૂછપરછ કરાઈ હતી.
ટેક્સટાઈલ મિલના મેનેજર જુબેરે પોલીસની પૂછતાછમાં કબૂલાત કરી કે, આ જથ્થો કંપનીના માલિક ઐયુબ ઇકબાલભાઈ સુરતીએ મંગાવ્યો હતો. સરકારી સબસીડીવાળા ખાતરનો ઔદ્યોગિક વપરાશ કરવો ગેરકાયદેસર હોવા છતાં આ ગેરરીતિ આચરવામાં આવી રહી હતી. ગાંધીનગરની લેબોરેટરીમાં મોકલાયેલા 4 સેમ્પલના રિપોર્ટમાં પણ પકડાયેલો જથ્થો ખેત વપરાશનો જ હોવાનું સ્પષ્ટ થયું હતું. ખેડૂતોના હકના ખાતરની કાળાબજારી કરવા બદલ ખેતી અધિકારીએ બંને આરોપીઓ સામે ગુનો નોંધાવતાં પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.


