અમદાવાદ, 16 ઓક્ટોબર, 2026 : Factory manufacturing adulterated tomato sauce busted શહેરના બહેરામપુરા વિસ્તારમાં દાણીલીમડા-પીરાણા રોડ પર લાયસન્સ વિના ટામેટા સોસનું ઉત્પાદન કરતી ફેકટરી પર મ્યુનિના ફુડ વિભાગે દરોડો પાડતા હલકી કક્ષાનો અને બિન આરોગ્યપ્રદ જથ્થો મળી આવ્યો હતો. સેન્ડવીચ અને બર્ગરમાં ઉપયોગમાં લેવામાં આવતો ટામેટા સોસનો જથ્થો બટાકાના પાવડર અને યોગ્ય ગુણવત્તા વિનાના પદાર્થોનો ઉપયોગ કરીને બનાવવામાં આવતો હતો. કોર્પોરેશનના ફૂડ વિભાગે ફેટકરી સીલ કરીને 2000 કિલો રો મટીરીયલ સહિતનો ટોમેટા સોસનો જથ્થો જપ્ત કર્યા છે.
શહેરના બહેરામપુરા વિસ્તારમાં પીરાણા રોડ પર ટામેટા સોસ બનાવતી એક ફેટકરી પર એએમસીના ફુડ વિભાગ તપાસ કરતા હલકી કક્ષાનો અને બિન આરોગ્યપ્રદ જથ્થો મળી આવ્યો હતો. ટામેટા સોસ બનાવતી ફેકટરીમાં સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો છે. તેમજ સોસ બનાવવાનું કોઈ લાયસન્સ પણ નહોતું, સોસ બનાવવા બટાકાનો પાવડર અને એસિડિક કલર સહિતની ચીજ વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવતો હતો. વધારે પડતા પ્રમાણમાં કલરનો ઉપયોગ કરવામાં આવતો હતો. સ્થળ ઉપર જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે ખૂબ જ અનહાઇજનિક કન્ડિશન મળી આવેલી હતી.
આ અંગે એએમસીના ફૂડ વિભાગના અધિકારી ડો. તેજસ શાહે જણાવ્યું હતું કે શહેરના બહેરામપુરા વિસ્તારમાં સેન્ડવીચ અને બર્ગરમાં ટેસ્ટી સ્નેક્સ ટચઅપ તરીકે વપરાતા ટોમેટો સોસના યુનિટ ઉપર દરોડા પાડવામાં આવ્યા હતા. સ્થળ ઉપર જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે તેની પાસે કોઈ લાઇસન્સ ન હતું. જે જગ્યાના નામ ઉપર લાયસન્સ લઈને વેચાણ કરવામાં આવતું હતું તેનું સરનામું ખોટું હતું. જેથી કોઈપણ લાયસન્સ વિના આ જગ્યા ઉપર ટોમેટા સોસનું ઉત્પાદન કરવામાં આવતું હતું. સ્થળ ઉપર જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે ખૂબ જ અનહાઇજનિક કન્ડિશન મળી આવેલી હતી. જે ટચઅપના નામે વેચાણ કરતા હતા. સ્થળ પરથી ફૂડ વિભાગની ટીમને રો મટીરીયલ અને તૈયાર કરવામાં આવેલો સોસનો જથ્થો મળી આવ્યો તો. અંદાજિત 2000 કિલો જેટલો સોસ નો જથ્થો મળી આવ્યો છે. આ સોસનો જથ્થો અલગ અલગ જગ્યાએ દુકાને વેચવામાં આવતો હતો. હાલમાં યુનિટ સીલ કરી દેવાયું છે. આ તમામ જથ્થાને જપ્ત કરી અને તેને નાશ કરવાની પ્રક્રિયા કરવામાં આવશે.


