Homeગુજરાતીગુજરાતશ્રમિકોના ભોજન કેન્દ્રોની જવાબદારી પણ હવે શિક્ષકોએ સંભાળવી પડશે

શ્રમિકોના ભોજન કેન્દ્રોની જવાબદારી પણ હવે શિક્ષકોએ સંભાળવી પડશે

અમદાવાદ,17 ઓક્ટોબર, 2026 : Teachers are responsible for the workers’ meal centers.  રાજ્યમાં શિક્ષકો પર બિન શૈક્ષણિક કામગીરીનું ભારણ થોપવામાં આવી રહ્યું છે. વસતી ગણતરી, ચૂંટણીની કામગીરી, સર્વેની કામગીરીથી લઈને ઘણીબધી કામગીરી શિક્ષકોને સોંપાતી હોવાથી ગુજરાત કેવી રીતે ભણશે.? શૈક્ષણિક સંઘોએ પણ શિક્ષકો પાસે બિન શૈક્ષણિક કામગીરી ન કરાવવા અનેકવાર રજુઆતો કરી છે. છતાંપણ સરકાર દ્વારા બિન શૈક્ષણિક કામગીરી થોપવામાં આવતી હોવાથી શિક્ષકો ધીમે-ધીમે શિક્ષણકાર્યથી વિમુખ થઈને વહીવટી કારકુન બનવા મજબૂર થઈ રહ્યા છે. હવે સરકારે શ્રમિકોના ભોજન કેન્દ્રો પર નોડલ ઓફિસર તરીકે શિક્ષકોને જવાબદારી સોંપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

રાજ્યમાં પ્રાથમિક શાળાઓના શિક્ષકો અને આચાર્યો પર બિન-શૈક્ષણિક કામગીરીનો બોજ સતત વધારવામાં આવી રહ્યો છે. હવે તેમાં વધુ એક નવી કડી ઉમેરાતા સમગ્ર શિક્ષણ જગતમાં ભારે કચવાટ ઊભો થયો છે. રાજ્ય શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા ચલાવવામાં આવતી ‘શ્રમિક અન્નપૂર્ણા યોજના’ હેઠળના ભોજન વિતરણ કેન્દ્રોના સંચાલનની નવી જવાબદારી હવે પ્રાથમિક શિક્ષકોના માથે થોપી દેવામાં આવી છે. આ વ્યવસ્થા હેઠળ શિક્ષકોને કેન્દ્રોના નોડલ ઓફિસર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. વર્ગખંડમાં વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવાને બદલે શિક્ષકોએ હવે શ્રમિકોને નિયમિત ભોજન મળે છે કે નહીં તેની દેખરેખ અને વ્યવસ્થા સંભાળવી પડશે.

રાજ્યમાં સરકારી શાળાઓના પ્રાથમિક શિક્ષકો પર શિક્ષણ સિવાયની કામગીરીનું ભારણ વધતું જાય છે. શિક્ષણ વિભાગ અને અન્ય સરકારી વિભાગો દ્વારા સતત ઓનલાઈન પોર્ટલ અને ડેટા એન્ટ્રીના કામો સોંપવામાં આવે છે, જેના કારણે તેમનો મોટાભાગનો સમય વહીવટી કાગળો તૈયાર કરવામાં જ ખર્ચાય છે.એક તરફ સરકારી શાળાઓમાં પહેલેથી જ શિક્ષકોની ઘટ પ્રવર્તી રહી છે, ત્યારે બીજી તરફ ઉપલબ્ધ શિક્ષકોને આવા બિન-શૈક્ષણિક કામોમાં જોતરી દેવાતા શિક્ષણનું સ્તર સતત કથળી રહ્યું છે. જો શિક્ષકો જ કાગળો, સર્વે અને ભોજન વિતરણના સંચાલનમાં વ્યસ્ત રહેશે, તો આ બાળકોને ગુણવત્તાસભર શિક્ષણ કોણ આપશે તેવો ગંભીર પ્રશ્ન શિક્ષણવિદો અને વાલીઓમાં ઉઠી રહ્યો છે. શિક્ષકનું પ્રાથમિક અને નૈતિક કર્તવ્ય વર્ગખંડમાં બાળકોને ઉત્તમ જ્ઞાન પૂરું પાડી દેશનું ભાવી ઘડવાનું છે. પરંતુ વારંવાર લાદવામાં આવતા બિન-શૈક્ષણિક ભારણને લીધે શિક્ષકો શિક્ષણકાર્યથી દૂર ધકેલાઈ રહ્યા છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular