ગાંધીનગર, 17 ઓક્ટોબર, 2026 : ‘Ekta Prakash Parv-2026′ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારતની સાંસ્કૃતિક વિવિધતા, સમૃદ્ધ વારસો, રાષ્ટ્રીય એકતા અને આધુનિક વિકાસને રોશનીની કલાત્મક અભિવ્યક્તિમાં રજૂ કરતા ‘એકતા પ્રકાશ પર્વ-૨૦૨૬’નો એકતાનગરમાં પ્રારંભ કરાવ્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી નિર્માણ પામેલી સરદાર સાહેબની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં તા. ૧૫ જાન્યુઆરી, ૨૦૨૭ સુધી આ પ્રકાશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
સરદાર વલ્લભભાઈ પટેલે દેશની એકતા-અખંડિતતા માટે આપેલા બહુમૂલ્ય યોગદાનની સ્મૃતિ ચિરંજીવ રાખવા સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસર અને કેવડિયાનું એકતાનગર નામાભિધાન કરવામાં આવ્યું છે. સરદાર સાહેબની જન્મ જયંતી 31 ઓક્ટોબરે દર વર્ષે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી વડાપ્રધાનશ્રીના દિશાદર્શનમાં થાય છે. આ ઉજવણી અંતર્ગત એકતાનગર ખાતે યોજાતી એકતા પરેડ પણ લોકોના આકર્ષણનું કેન્દ્ર બની છે. દીપોત્સવીના તહેવારોમાં દેશભરના રાજ્યોના લોકો વિશાળ સંખ્યામાં એકતાનગરની મુલાકાતે આવતા હોય છે અને એક ભારત, શ્રેષ્ઠ ભારતને સાકાર કરે છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે રાષ્ટ્રીય એકતા દિવસ, ભારત પર્વ અને દીપોત્સવને વધુ શાનદાર બનાવવાના બહુઆયામી આયોજન સાથે આ પ્રકાશોત્સવનું આયોજન કર્યું છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, સરદાર વલ્લભભાઈ પટેલના એકતાના મંત્રને સાકાર કરવા અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના સંકલ્પને વધુ મજબૂત બનાવવા માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. આ પર્વના માધ્યમથી દેશનાં વિવિધ રાજ્યોને એકતાના તાંતણે જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
દેશના વિવિધ રાજ્યોમાંથી આવતા નાગરિકો પોતપોતાના રાજ્યની સંસ્કૃતિ અને પરંપરાઓનો અનુભવ કરી શકે તે માટે દરેક રાજ્યની આગવી સંસ્કૃતિ, કલા, રમતગમત, ખાનપાન અને જીવનશૈલીને ઉજાગર કરવામાં આવી છે. આ ઉપરાંત, અન્ય રાજ્યોની વિશિષ્ટતાઓને જાણવાની અને માણવાની પણ તક મળશે તેમજ આ આયોજનથી એકતાની ભાવનાને વધુ બળ મળશે અને દેશની વિવિધતામાં રહેલી એકતાનું સુંદર પ્રતિબિંબ જોવા મળશે એમ પણ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.
એકતાનગરમાં આશરે ૭.૬ કિલોમીટરના વિસ્તારમાં થીમ આધારિત લાઈટિંગ અને ઇલ્યુમિનેશન આ પ્રકાશોત્સવમાં કરવામાં આવ્યું છે. ઇન્ડોર અને આઉટડોર એમ બે વિભાગમાં યોજાનારો આ પ્રકાશોત્સવ પ્રવાસીઓને ભારતની વૈવિધ્યસભર સંસ્કૃતિથી લઈને આધુનિક ટેકનોલોજી અને વિકાસ સુધીની અનોખી સફરનો અનુભવ કરાવશે.


