Homeગુજરાતીગુજરાતસુરતમાં હજીરા રોડ પર બાઈકને ટક્કર મારી ડમ્પર પલાયન, બાઈકસવાર મહિલાનું મોત

સુરતમાં હજીરા રોડ પર બાઈકને ટક્કર મારી ડમ્પર પલાયન, બાઈકસવાર મહિલાનું મોત

સુરત, 22 ઓક્ટોબર, 2026 : Dumper hits bike and flees, woman dies શહેરના ઇચ્છાપુર-હજીરા રોડ પર બાઈકસવાર દંપત્તીને ટક્કર મારીને ડમ્પર સાથે તેના ચાલક નાસી ગયો હતો. હીટ એન્ડ રનની આ ઘટનામાં બાઈકસવાર પતિની નજર સામે જ પત્નીનું મોત નિપજ્યું હતું. મહિલા પર ડમ્પરનું ટાયર ફરી વળ્યુ હોવા છતાયે ડમ્પરચાલક ડમ્પર સાથે પૂર ઝડપે નાસી ગયો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને ડમ્પરચાલક સામે ગુનોં નોંધીને સીસીટીવીના કૂટેજ મેળવીને ડમ્પરચાલકની શોધખોળ આદરી છે.

અકસ્માતના આ બનાવની વિગત એવી છે કે, શહેરના પાંડેસરા હાઉસિંગ વિસ્તારમાં રહેતા અરવિંદભાઈ તેમની 40 વર્ષીય પત્ની ઉપમાબેન સાથે બાઇક પર માતાજીની મૂર્તિના વિસર્જન માટે હજીરા તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન ક્રિભકો કંપની નજીક પૂરપાટ ઝડપે આવી રહેલા બેફામ ડમ્પરચાલકે તેમની બાઇકને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ઉપમાબેન નીચે પટકાતાં તેમના માથા પરથી ડમ્પરનું ટાયર ફરી વળ્યું હતું, જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જીને ડમ્પરચાલક પોતાનું વાહન લઈને ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો. અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે તાત્કાલિક પંચનામું કરી મૃતક ઉપમાબેનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. અરવિંદભાઈની ફરિયાદના આધારે પોલીસે ફરાર અજાણ્યા ડમ્પરચાલક સામે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તેની ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

 મૂળ ઉત્તર પ્રદેશના વતની અને હાલ સુરતના પાંડેસરા હાઉસિંગમાં રહેતા આ શ્રમિક પરિવારમાં ઉપમાબેનના આકસ્મિક નિધનથી માતમ છવાઈ ગયો છે. મૃતક ઉપમાબેનને પરિવારમાં એક દીકરો અને એક દીકરી એમ બે સંતાનો છે. માતાની અણધારી વિદાયથી બંને માસૂમ બાળકોએ માતૃછત્ર ગુમાવતા સમગ્ર પરિવારમાં આક્રંદ છવાઈ ગયો છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular