અમદાવાદ, 18 નવેમ્બર,2026 : Government gifted a plot worth Rs 5 crore to cricketer Yusuf Pathan for supporting NDA ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, જાણીતા ક્રિકેટર યુસુફ પઠાણે મમતાનો સાથ છોડીને ભાજપ-એનડીએને સમર્થન આપતા સરકારે વડોદરામાં રૂપિયા 5 કરોડનો પ્લોટ ગિફ્ટમાં આપ્યો છે. ગુજરાતમાં સામાન્ય જનતા અને ગરીબ પરિવારો માટે કાયદાના કડક નિયમો લાગુ કરવામાં આવે છે, પરંતુ શાસક પક્ષના માનીતાઓ અને રાજકીય ફાયદા માટે તમામ નીતિ-નિયમો નેવે મૂકી દેવામાં આવે છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વડોદરાના વતની અને જાણીતા ક્રિકેટર યુસુફ પઠાણે માર્ચ ૨૦૧૨માં પોતાના ઘરની બાજુની સરકારી જગ્યા રહેણાંક હેતુ માટે ફાળવવા વડોદરા કોર્પોરેશન પાસે માંગણી કરી હતી. તે સમયે ૨૧ માર્ચ ૨૦૧૨ના રોજ જમીનનું વેલ્યુએશન પ્રતિ ચોરસ મીટર રૂ. ૫૨,૨૭૦ નક્કી થયું હતું અને ભાજપ શાસિત સ્ટેન્ડિંગ કમિટીએ જૂન ૨૦૧૨માં તેઓ ક્રિકેટર હોવાના નાતે દેશનું નામ રોશન કર્યું હોવાનું કારણ આગળ ધરી જમીન આપવાની ભલામણ કરી હતી. જોકે, તે સમયે યુસુફ પઠાણ કોઈ રાજકીય પક્ષમાં નહોતા કે સાંસદ નહોતા, તેથી જૂન ૨૦૧૪માં શહેરી વિકાસ વિભાગે આ દરખાસ્ત નામંજૂર કરીને પરત મોકલી હતી અને વર્લ્ડ કપ સહિતની મેચો રમવા છતાં ત્યારે ભાજપ સરકારે તેમને કોઈ સન્માન આપ્યું નહોતું.
ચાવડાએ ઉમેર્યુ હતું કે યુસુફ પઠાણ તૃણમૂલ કોંગ્રેસ (TMC)માંથી સાંસદ બન્યા અને ભાજપ-એનડીએ સરકારની વિરુદ્ધમાં હતા ત્યારે કોર્પોરેશને ૨૦૨૪માં ગેરકાયદેસર કબજો ખાલી કરવા અને લેન્ડ ગ્રેબિંગની કાર્યવાહી કરવાની નોટિસ ફટકારી હતી. આ નોટિસ સામે યુસુફ પઠાણે હાઈકોર્ટમાં અપીલ કરતા સિંગલ અને ડબલ બંને બેન્ચે તેમની અપીલ ફગાવી દઈને જંત્રી મુજબ આશરે ૨૦ કરોડ રૂપિયાની કિંમત વસૂલવા અને તાત્કાલિક જમીનનો કબજો ખાલી કરાવવા સ્પષ્ટ આદેશ આપ્યો હતો. પરંતુ રાજકીય સમીકરણો બદલાતા અને યુસુફ પઠાણ ટીએમસી સાથે છેડો ફાડીને મોદી સરકાર તથા એનડીએના સમર્થનમાં આવતા જ ભાજપના ‘વોશિંગ મશીન’માં તેમના તમામ ગેરકાયદેસર કૃત્યો માફ થઈ ગયા છે. હાઈકોર્ટે જે ૨૦ કરોડની જમીનનો કબજો લેવા આદેશ કર્યો હતો અને જે જમીન ખેડૂતની ૪૦% કપાતમાંથી શાળા, બાગ કે હોસ્પિટલ જેવા લોકઉપયોગી હેતુઓ માટે અનામત રખાઈ હતી, તે જમીન હવે શહેરી વિકાસ વિભાગે ઠરાવ કરીને યુસુફ પઠાણને ગિફ્ટમાં આપવાનું નક્કી કર્યું છે.








