જુનાગઢ, 18 નવેમ્બર, 2026 : ‘Lili Parikrama ગરવી ગિરનારમાં લીલી પરિક્રમાનો પ્રારંભ તા.20મી નવેમ્બરને શુક્રવારથી થશે, 5 દિવસની પરિક્રમામાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડવાની શક્યતા છે. જિલ્લા વહિવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. વર્ષે પરિક્રમા રૂટના સૌથી ઊંચા અને કઠિન ગણાતા નળ પાણીની ઘોડી વિસ્તાર સહિત સમગ્ર માર્ગ પર પીવાના પાણીની કોઈ અછત ન રહે તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે, કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે આઠ ઝોનમાં ૪૦ પોલીસ ચોકીઓ કાર્યરત કરવામાં આવી છે, જ્યાં ૭ DySP, ૨૬ PI, ૭૫ PSI, ૯૦૦ પોલીસ કર્મચારીઓ, ૫૦૦ હોમગાર્ડ, ૭૦૦ GRD, ૧ SRP કંપની અને ૧ SDRF પ્લાટૂન સુરક્ષા બંદોબસ્ત સંભાળશે.

વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ ગાંધીનગર ખાતેથી સર્વે શ્રદ્ધાળુઓને ગિરનાર લીલી પરિક્રમાની શુભકામનાઓ પાઠવતા પ્રકૃતિનું જતન કરવા અને સુરક્ષાના નિયમોનું પાલન કરવા નમ્ર અપીલ કરી છે. તેમણે પરિક્રમા પથની પવિત્રતા જાળવવા પ્લાસ્ટિકની થેલીઓ, બોટલો કે અન્ય ચીજવસ્તુઓ સાથે ન લઈ જવા અને કચરાનો યોગ્ય નિકાલ કરવા જણાવ્યું છે. આ ઉપરાંત, પીવાના પાણીની મર્યાદિત વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને વૃદ્ધો, અશક્ત વ્યક્તિઓ અને બાળકોને સાથે ન લાવવા, જંગલમાં સૂકા ઘાસને કારણે આગ લાગવાના ભયથી બીડી, સિગારેટ કે જ્વલનશીલ વસ્તુઓનો ઉપયોગ ટાળવા તથા ગીર વિસ્તારમાં વન્ય પ્રાણીઓની વધુ વસ્તી હોવાથી નિર્ધારિત રૂટની બહાર ન જઈ સમૂહમાં જ ચાલવા ખાસ અનુરોધ કર્યો છે.
ભક્તિ, પ્રકૃતિ અને અતૂટ શ્રદ્ધાના મહાસંગમ સમાન પવિત્ર ‘લીલી પરિક્રમા-૨૦૨૬’નો આગામી તા. ૨૦ થી ૨૪ નવેમ્બર દરમિયાન જૂનાગઢના ગિરનાર ખાતે ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ વર્ષે લાખોની સંખ્યામાં આવનાર ભાવિકોના ઉત્સાહને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા અભૂતપૂર્વ તૈયારીઓ કરવામાં આવી છે.
ગિરનાર લીલી પરિક્રમા-૨૦૨૬ અંગે વિગતો આપતા જૂનાગઢના જિલ્લા કલેકટર યોગેશ ચૌધરીએ જણાવ્યું હતું કે, તા. ૨૦ નવેમ્બરની મધ્યરાત્રીએ પરિક્રમાનો વિધિવત પ્રારંભ થશે. આ વર્ષે પરિક્રમા રૂટના સૌથી ઊંચા અને કઠિન ગણાતા નળ પાણીની ઘોડી વિસ્તાર સહિત સમગ્ર માર્ગ પર પીવાના પાણીની કોઈ અછત ન રહે તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે, તેમજ વન વિભાગ દ્વારા રૂટની મરામત, વિવિધ સ્થળોએ રાવટીઓ અને ૪૨૫થી વધુ વનકર્મીઓને ફરજ સોંપવામાં આવી છે.
સ્વચ્છતા અંગે વિગતો આપતા તેમણે જણાવ્યું હતું કે, સ્વચ્છતા અને જાહેર સુવિધાઓના ભાગરૂપે મહાનગરપાલિકાના ૨૦૦ સફાઈ કામદારો અને ૧૭ સુપરવાઈઝરો દ્વારા ૨૪ કલાક સફાઈ તથા જંતુનાશક દવાનો છંટકાવ કરાશે, અને કચરાના નિકાલ માટે ૫ પિકઅપ વાન, ૧ JCB, ૩ ટ્રેક્ટર અને ૧ ડમ્પર કાર્યરત રહેશે. આઠ સ્થળોએ વિનામૂલ્યે જાહેર શૌચાલયો ઊભા કરાયા છે, આ ઉપરાંત ૪૦૦થી વધુ LED ફ્લડ લાઈટ, ૬ ડી.જી. સેટ અને આઠ સ્થળોએ ફાયર ટેન્ડર, એમ્બ્યુલન્સ તથા ડ્રાઈવર, ફાયરમેન અને તરવૈયાઓ મળી કુલ ૩૨ કર્મચારીઓ તૈનાત રહેશે.
જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરાએ જણાવ્યું હતું કે, શહેરમાંથી ભવનાથ જતા યાત્રિકોને મુશ્કેલી ન પડે તે માટે વાહનોની અવરજવર પર નિયંત્રણ રાખી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે આઠ ઝોનમાં ૪૦ પોલીસ ચોકીઓ કાર્યરત કરવામાં આવી છે, જ્યાં ૭ DySP, ૨૬ PI, ૭૫ PSI, ૯૦૦ પોલીસ કર્મચારીઓ, ૫૦૦ હોમગાર્ડ, ૭૦૦ GRD, ૧ SRP કંપની અને ૧ SDRF પ્લાટૂન સુરક્ષા બંદોબસ્ત સંભાળશે.








