અમદાવાદ, 19 નવેમ્બર, 2026 : Ahmedabad Railway Division earned more than Rs 108 crore during Diwali festivities દિવાળી અને 6ઠ્ઠના તહેવારોમાં ખાસ ટ્રેનો દોડાવીને અમદાવાદ રેલવે ડિવિઝને રૂપિયા 108 કરોડથી વધુની કમાણી કરી છે. 1થી 15 નવેમ્બર 2026 દરમિયાન 15 દિવસમાં 21 લાખથી વધુ પ્રવાસીઓએ રેલવેમાં મુસાફરી કરી હતી, જેનાથી અમદાવાદ રેલવે ડિવિઝનને 108 કરોડ રૂપિયાથી વધુની આવક થઈ છે. તહેવારોની ભીડને પહોંચી વળવા 79 વિશેષ ટ્રેન ટ્રિપ્સ ચલાવવામાં આવી હતી. અમદાવાદ, સાબરમતી અને અસારવા સ્ટેશનો પરથી ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન તરફ જતાં મુસાફરોનો ભારે ધસારો જોવા મળ્યો હતો.
પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન દ્વારા દિવાળી અને છઠ મહાપર્વના પ્રવાસી ટ્રાફિકના ધસારાને પહોંચી વળવા માટે ખાસ ટ્રેનો દોડાવવામાં આવી હતી. જેમાં તારીખ 1લીથી 15 નવેમ્બર 2026 દરમિયાન માત્ર 15 દિવસમાં 21 લાખથી વધુ પ્રવાસીઓએ રેલ મુસાફરી કરી છે. મુસાફરોની આ ભારે અવરજવરને કારણે રેલવે ડિવિઝનને રૂપિયા 108 કરોડ રૂપિયાથી વધુની આવક થઈ છે. તહેવારોની ભીડને પહોંચી વળવા માટે મંડળ દ્વારા કુલ 79 વિશેષ ટ્રેન ટ્રિપ્સનું સંચાલન કરવામાં આવ્યું હતું.
અમદાવાદ રેલ ડિવિઝનના સૂત્રોના કહેવા મુજબ તહેવારોના સમયગાળામાં ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન અને મહારાષ્ટ્ર સહિતના રાજ્યો તરફ જતા પ્રવાસીઓનો મોટો ધસારો રહ્યો હતો. જેમાં અમદાવાદના કાળુપૂર રેલવે સ્ટેશન પરથી 8.13 લાખથી વધુ પ્રવાસીઓ, તેમજ સાબરમતી રેલવે સ્ટેશન પરથી 3.42 લાખથી વધુ પ્રવાસીઓ, તથા અસારવા રેલવે સ્ટેશન પરથી 1.37 લાખથી વધુ પ્રવાસીઓ નોંધાયા હતા. આ ઉપરાંત ભુજ, ગાંધીધામ અને મંડળના અન્ય સ્ટેશનો પરથી પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓએ મુસાફરી કરી હતી. પ્રવાસીઓના ધસારાને લીધે અમદાવાદ, સાબરમતી, અસારવા, ભુજ અને ગાંધીધામથી લખનઉ, કાનપુર, આગ્રા, મુંબઈ, પ્રયાગરાજ, મુઝફ્ફરપુર, દરભંગા, બરૌની, રાજગીર, જયપુર, હરિદ્વાર અને ભાગલપુર સહિતના શહેરો માટે 79 વિશેષ ટ્રેન ટ્રિપ્સ દોડાવવામાં આવી હતી. આ ઉપરાંત સ્વર્ણ જયંતિ રાજધાની એક્સપ્રેસ, તેજસ એક્સપ્રેસ અને કર્ણાવતી એક્સપ્રેસ જેવી નિયમિત ટ્રેનોમાં વધારાના કોચ જોડવામાં આવ્યા હતા. ઉપરાંત પ્લેટફોર્મ પર બિનજરૂરી ભીડ ટાળવા માટે અમદાવાદ અને સાબરમતી સ્ટેશન પર વિશેષ હોલ્ડિંગ એરિયા ઊભા કરાયા હતા. અહીં પ્રવાસીઓ માટે બેઠક વ્યવસ્થા, પીવાનું પાણી, લાઇટિંગ અને પંખાની સુવિધા અપાઈ હતી. ટ્રેનોના સમયપત્રકની માહિતી માટે ઈલેક્ટ્રોનિક ડિસ્પ્લે બોર્ડ, જાહેર ઉદ્ઘોષણા અને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરાયો હતો.








