
- કારમાં પ્રવાસ કરી રહેલા યુવકનું મોત, 3ને ગંભીર ઈજા
- ઈન્દોરના યુવાનો મિત્રની આઈસ્ક્રીમની દૂકાનના ઉદઘાટનમાં અમદાવાદ આવી રહ્યા હતા
- અકસ્માતના બનાવના સીસીટીવી કૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા
અમદાવાદઃ રાજ્યના ધોરીમાર્ગો પર અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ અમદાવાદ-ઈન્દોર હાઈવે પર કણભા નજીક બન્યો હતો. જેમાં પૂરફાટ ઝડપે આવતી કારે બાઈકને અડફેટે લીધા બાદ કારચાલકે સ્ટિયરિંગ પરને કાબુ ગુમાવતા કાર ટ્રકની પાછળ ઘૂંસી ગઈ હતી. જેમાં કારમાં પ્રવાસ કરી રહેલા એક યુવાનું મોત નિપજ્યું હતું. જ્યારે ત્રણને ગંભીર ઈજાઓ થઈ હતી.
આ અકસ્માતના બનાવની વિગતો એવી છે કે, અમદાવાદ-ઇન્દોર હાઈવે પર કણભાના ચાંદીઅલ ગામ પાસે પૂરપાટ ઝડપે આવી રહેલી કારએ બાઈકને અડફેટે લઈને રોડની બાજુમાં ઊભેલી ટ્રકની પાછળ ઘૂસી ગઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં કારમાં પાછળ બેઠલા એક યુવકનું મોત હતુ, જ્યારે ત્રણ યુવક ઇજાગ્રસ્ત થયા હતા. ઈન્દોરથી યુવકો મિત્રની આઇસક્રીમની દુકાનના ઉદ્ઘાટન પ્રસંગે અમદાવાદ આવી રહ્યા હતા. કાર બેઠેલી ત્રણ વ્યક્તિને ઇજા થતાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે, જેમાંથી કારચાલક બેભાન અવસ્થામાં મળ્યો હતો. કણભા પોલીસે કારચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ મધ્યપ્રદેશના ઇન્દોરથી કારમાં સવાર યુવકો અમદાવાદ આવી રહ્યા હતા. ઈન્દોરમાં રહેતો અજય રાજપૂત નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. અજયના મિત્ર પુષ્પક યાદવની અમદાવાદના સેટેલાઇટમાં આવેલી આઇસ્ક્રીમની દુકાનનું ઉદ્ધાટન હોવાથી અજય, પુષ્પક, રજ્જુ ગૌડ અને રાહુલ રાજપૂત સહિત ચાર મિત્ર ઇન્દોર મધ્યપ્રદેશથી અમદાવાદ આવવા નીકળ્યા હતા. જેમાં પુષ્પક કાર ચલાવતો હતો. 1 જૂનની વહેલી સવારે તેઓ ઇન્દોરથી નીકળ્યા હતા. બપોરના સમયે ઇન્દોર અમદાવાદ હાઇવે પર પહોંચતાં કણભામાં ચાંદીઅલ ગામ પાસે પુષ્પકે કાર પૂરઝડપે ચલાવીને ટ્રકની પાછળ કાર ઘુસાડી દીધી હતી. આ અકસ્માતમાં અજય, રાહુલ અને પુષ્પકને ઇજા પહોંચી હતી, જ્યારે પાછળ બેઠલા રજ્જુ ગૌડનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. ત્રણેય ઇજાગ્રસ્ત મિત્રોને સારવાર અર્થે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.
અકસ્માતના બનાવના સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયા છે. જેમાં પૂરઝડપે આવી રહેલી કારે એક બાઈકચાલકને અડફેટે લીધો હતો, જે બાદ કાર ટ્રકમાં પાછળ ઘૂસી ગઈ હતી. કારમાં બેઠેલા લોકોને આસપાસના લોકોએ કારમાંથી બહાર કાઢ્યા હતા. કારચાલક પુષ્પક સામે કણભા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે, જોકે કારચાલક પુષ્પકને ગંભીર ઇજા થઈ હોવાથી હજુ બેભાન અવસ્થામાં છે.