
- માથાભારે તત્વો લાકડી અને ધોકા સાથે તૂટી પડ્યા,
- મ્યુનિના બે કર્મચારીને ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા,
- પોલીસની હાજરીમાં હુમલો કરાતા સવાલો ઊઠ્યા
ભાવનગરઃ શહેરમાં જાહેર રોડ-રસ્તાઓ પર રખડતા ઢોરનો ત્રાસ વધતા શહેરના ચિત્રા વિસ્તારમાં પાણીની ટાંકી પાસેના રોડ પર મ્યુનિની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે રખડતા ઢોર પકડવા માટે ગઈ હતી. દરમિયાન રખડતા ઢોર પકડવાની કાર્યવાહી ચાલતી હતી તે દરમિયાન કેટલાક માથાભારે પશુપાલકોએ મ્યુનિની ટીમ પર જીવલેણ હુમલો કર્યો હતો. લાકડીઓ અને ધોકા વડે હુમલો કરાતા મ્યુનિની ટીમના બે કર્મચારીઓને ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસની હાજરીમાં હુમલાનો બનાવ બનતા સવાલો ઊઠ્યા છે.
આ બનાવની વિગતો એવી છે કે, શહેરના ચિત્રા વિસ્તારમાં પાણીની ટાંકી પાસેના રોડ પર ઢોર પકડવાની કામગીરી દરમિયાન અચાનક અમુક શખસોનું જૂથ ઘટનાસ્થળે આવી પહોંચ્યું હતું અને તેમણે પોલીસની હાજરીમાં જ ઢોર પકડતી ટીમ પર લાકડીઓ વડે હુમલો કરી દીધો હતો. આ હુમલામાં ઢોર પકડતી એજન્સીના કોન્ટ્રાક્ટ પર રાખેલા સુપરવાઇઝર અને એક BMCના કર્મચારીને ગંભીર ઈજાઓ પહોંચી છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ભાવનગર સર ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
આ બનાવનો વીડિયો પણ વાયરલ થયો હતો. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, પોલીસકર્મીઓ વચ્ચે પડીને હુમલાખોરોને રોકવાનો પ્રયાસ કરી રહ્યા છે, તેમ છતાં હુમલાખોરો કર્મચારીઓ પર સતત લાકડીથી હુમલો કરતા હતા. રખડતા ઢોરના ત્રાસ સામે કાર્યવાહી કરતી ટીમ પર થયેલા આ હુમલાને પગલે શહેરમાં ચકચાર મચી ગઈ છે.આ ઘટના અંગે મ્યુનિના અધિકારી ડો. હિતેશ સવાણીએ જણાવ્યું હતું કે બુધવારે સવારે 10:30થી 11 વાગ્યાની આસપાસ ચિત્રા પાણીની ટાંકી પાસે 10થી 15 જણાનું ટોળું આવીને અહીંયાથી ઢોર નહીં પકડવાના તેમ કહીને એજન્સીના સભ્યો અને BMCના કર્મચારી પર લાકડી અને ધોકા વડે પોલીસની હાજરીમાં હુમલો કર્યો હતો. આ ઘટના અંગે પોલીસ કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરવામાં આવશે.