ભાવનગર, 6 જુલાઈ, 2026 : Maldhari youth injured in lion attack જિલ્લાના પાલિતાણા તાલુકાના ગરજીયા ગામ નજીક આજે સોમવારે સવારે સિંહે એક માલધારી યુવાન પર હુમલો કર્યો હતો. સિંહના હુમલાથી માલધારી યુવાન લોહીલૂહાણ થતાં તેને તાત્કાલિક સારવાર માટે પાલિતાણાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ બનાવની જાણ થતાં વન વિભાગના અધિકારીઓ દોડી આવ્યા હતા. સિંહ માલધારી યુવાન પર કરેલા હુમલાનો વિડિયો પણ વાયરલ થયો છે.
આ બનાવની વિગત એવી જાણવા મળી છે કે, પાલીતાણા તાલુકાના ગરજીયા ગામના સીમ વિસ્તારમાં રહેતા માલધારી કાળુભાઈ બોઘાભાઈ ગમારા આજે સોમવારે સવારે પોતાના ઘરે હતા, તે દરમિયાન અચાનક એક સિંહે તેના પર હુમલો કરી દીધો હતો. સિંહના હુમલાને કારણે માલધારી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ઘટનાની જાણ થતા જ આસપાસના ગ્રામજનો દોડી આવ્યા હતા અને તાત્કાલિક ઈજાગ્રસ્તને સારવાર માટે પાલિતાણાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, સાથે જ આ અંગે સ્થાનિક વન વિભાગને જાણ કરવામાં આવતાં ટીમ દોડી આવી હતી.
આ અંગે પાલિતાણા તાલુકા પંચાયતના સભ્ય ચેતન ડાભીએ જણાવ્યું હતું કે, આજે સવારમાં સાડા આઠે વાગ્યે ગરજીયા ગામે ત્રણ સિંહો આવી ગયા હતા અને કાળુભાઈ બોઘાભાઈના ઘર પાસે અને એના ઘરમાં અંદર ઘૂસી ગયા હતા અને કાળુભાઈને ઈજાઓ પહોંચાડી હતી.
માલધારી યુવાન પર સિંહના હુમલાનો વિડિયો પણ વાયરલ થયો છે. એમાં જોઈ શકાય છે કે, એક સિંહ માલધારીને જમીન પર દબોચીને બેઠો છે. અને આસપાસ ઉભેલા લોકો જોરજોરથી બૂમો પાડી રહ્યા છે. માલધારી પોતાનો જીવ બચાવવા માટે વલખા મારી રહ્યો છે અને સિંહને હાથ ફેરવતો પણ દેખાઈ છે. સિંહે પગને આંટી મારીને ડણક મારી હતી, લોકોએ પથ્થરના ઘા કર્યા હતા. માલધારીના શરીરના થોડાક ભાગો પર ઈજાઓ થઈ હોવાથી લોહી નીકળતું દેખાઈ છે. આસપાસના લોકો બચાવવા માટે બૂમો પાડી રહ્યાનો અવાજ સંભળાય છે.


