મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામ બાદ હવે કોંગ્રેસ સંગઠનમાં મોટા પાયે ફેરફાર કરવાના મૂડમાં
નવી દિલ્હીઃ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં મળેલા આંચકાઓ બાદ બોલાવવામાં આવેલી કોંગ્રેસ વર્કિંગ કમિટીમાં સંગઠનને લઈને ચર્ચા થઈ હતી અને ચૂંટણી પંચની ભૂમિકા પર સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. પાર્ટીએ ઈવીએમ સહિત સમગ્ર ચૂંટણી પ્રક્રિયાને લઈને ઉભા થઈ રહેલા પ્રશ્નો અંગે દેશવ્યાપી આંદોલન શરૂ કરવાની જાહેરાત કરી હતી. આ સિવાય સંગઠનને સુધારવા માટે કડક પગલાં ભરવામાં આવે તેવું કહેવામાં આવ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર રાહુલ ગાંધીએ પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને જવાબદારીને ધ્યાનમાં રાખીને કામગીરી કરવા માટે કહ્યું હોવાનું જાણવા મળે છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર બેઠકમાં રાહુલ ગાંધીએ નેતાઓને હિંમત ન હારવાની અપીલ કરી હતી. આ દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું કે માત્ર EVM પર જ પ્રશ્ન નથી, સમગ્ર ચૂંટણી પ્રણાલી શંકાના દાયરામાં છે અને ચૂંટણી પંચ નિષ્પક્ષ ભૂમિકા ભજવી રહ્યું નથી.
CWCની બેઠકમાં પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ જૂથવાદ અને અનુશાસન અંગે સલાહ આપી હતી. મલ્લિકાર્જુન ખડગેએ આકરા નિર્ણયો લેવા અને સંગઠનમાં ફેરફાર કરવાની વાત કરી હતી. બેઠકમાં એક રસપ્રદ ઘટના બની જ્યારે મલ્લિકાર્જુન ખડગેએ ચૂંટણી જવાબદારી અને સંગઠનના નિર્ણયોમાં વિલંબનો ઉલ્લેખ કરતા કહ્યું કે સિસ્ટમને ઠીક કરવા માટે મારે ચાબુલ ચલાવવુ પડશે. સમર્થનમાં રાહુલ ગાંધીએ તરત જ કહ્યું, ખડગે જી, ચાબુકનો ઉપયોગ કરો!
કોંગ્રેસે સીડબ્લ્યુસી દરખાસ્તમાં ચૂંટણી પંચને ઘેર્યું પરંતુ EVM વિ મતપત્ર અંગે સ્પષ્ટ અભિપ્રાય વ્યક્ત કર્યો ન હતો. જ્યારે થોડા દિવસ પહેલા જ કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ કહ્યું હતું કે અમે મતદાન દ્વારા ચૂંટણી ઈચ્છીએ છીએ. બેઠકમાં પ્રિયંકા ગાંધીએ એમ પણ કહ્યું કે ઈવીએમ કે મતપત્રને લઈને પાર્ટીનું વલણ સ્પષ્ટ હોવું જોઈએ.