અમદાવાદ, 15 મે 2026: AMC issues circular for mandatory car pooling વડાપ્રધાનની પેટ્રોલ-ડીઝલ બચાવવાની અપીલ બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક પરિપત્ર જારી કરીને મ્યુનિના અધિકારીઓ અને કર્મચારીઓ માટે કાર પુલિંગનો નિયમ ફરજિયાત કરવામાં આવ્યો છે. મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ જારી કરેલા પરિપત્રમાં જણાવ્યું હતું કે, જે કર્મચારીઓ એક જ મ્યુનિસિપલ ઓફિસના કમ્પાઉન્ડમાં અથવા નજીકની મ્યુનિસિપલ ઓફીસમા ફરજ બજાવતા હોય અને ઓફીસ આવવા જવા માટે કારનો ઉપયોગ કરતા હોય તો તેઓએ તેમની રહેઠાણની નજીક રહેતા કર્મચારીઓ સાથે ઓફીસ આવવા જવા માટે કાર પુલીંગ કરીને આવવાનુ રહેશે. મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારી-કર્મચારીઓએ AMTS, BRTS, મેટ્રો જેવી પબ્લિક ટ્રાન્સપોર્ટનો મહતમ ઉપયોગ કરવા પણ સુચના આપવામાં આવી છે.
અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા મ્યુનિના વાહનોમાં પણ પેટ્રોલ-ડીઝલની બચત કરવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે. જે અધિકારીઓને ફીલ્ડ વિઝીટમાં જવાનુ હોય તેમણે સાથી અધિકારી-કર્મચારીઓ સાથે કાર પુલિંગ કરીને કે ટુ વ્હીલર શેરીંગ કરીને ફિલ્ડ વિઝીટમાં જવાનુ રહેશે. જે કર્મચારીઓ એક જ મ્યુનિસિપલ ઓફિસના કમ્પાઉન્ડમાં અથવા નજીકની મ્યુનિસિપલ ઓફીસમા ફરજ બજાવતા હોય અને ઓફીસ આવવા જવા માટે ટુ વ્હીલરનો ઉપયોગ કરતા હોય તો તેઓએ તેમની રહેઠાણની નજીક રહેતા કર્મચારીઓ સાથે ઓફીસ આવવા જવા માટે ટુ વ્હીલર શેરીગ કરીને આવવા જવાની વ્યવસ્થા ગોઠવવાની રહેશે.


