
- કૂડાસણની હોસ્પિટલમાં 9 લાખના મેડિકલ ઉપકરણોની ચોરી થઈ હતી
- સીસીટીવી કૂટેજમાં હોસ્પિટલને એટેન્ડન્ટ ચોરી કરતો જોવા મળ્યો
- SPGએ મુદ્દામાલ સાથે આરોપી કર્મચારીને ઝડપી લીધો
ગાંધીનગરઃ શહેરના કુડાસણ વિસ્તારમાં આવેલી સ્કાય સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં થયેલી મેડિકલ સાધનોની ચોરીનો ભેદ ઉકેલી પોલીસે આરોપી કર્મચારીની ધરપકડ કરી છે. હોસ્પિટલમાં જ એટેન્ડન્ટ તરીકે નોકરી કરતો કર્મચારી આ ચોરીમાં સંડોવાયેલો હતો. પોલીસે આરોપી પાસેથી મુદ્દામાલ કબજે કર્યો છે.
આ બનાવની વિગતો એવી હતી કે, ગાંધીનગરના કૂડાસણ વિસ્તારમાં આવેલી સ્કાય સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના મેનેજર હર્ષિલ દરજીએ ઈન્ફોસિટી પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ હતી. અને ફરિયાદમાં જમાવ્યું હતું કે, હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાંથી 1.12 લાખની કિંમતનું પેશન્ટ મોનિટર અને 34,700 રૂપિયાનો ઇન્ફ્યુઝન પંપ ગાયબ થયા હતા. સીસીટીવી ફૂટેજની તપાસ કરતા પેશન્ટ કેર એટેન્ડન્ટ અરવિંદ પરમાર (રહે. ભીમરાવનગર, લોદરાગામ) આ સાધનો લઈ જતો દેખાયો હતો. ત્યારબાદ એચડીયુ વોર્ડમાંથી પણ 2.42 લાખની કિંમતના સાત ઇન્ફ્યુઝન પંપ અને 4.99 લાખની કિંમતના બે બાય પેપ મશીન ચોરાયા હોવાનું જાણવા મળ્યું. આ વોર્ડના સીસીટીવી ફૂટેજમાં પણ અરવિંદ પરમાર જ સાધનો ચોરી કરતો જોવા મળ્યો હતો.
ઈન્ફોસિટી પોલીસે ફરિયાદ નોંધીને તપાસ હાથ ઘરી હતી. અને સીસીટીવીના કૂટેજ પણ મેળવ્યા હતા. દરમિયાન કુલ 8.89 લાખની કિંમતના સાધનોની ચોરી મામલે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે તપાસમાં ઝૂંપલાવ્યું હતું અને ટેક્નિકલ સર્વેલન્સના આધારે હોસ્પિટલના જ કર્મચારી અરવિંદને 3.44 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. પોલીસે આરોપી પાસેથી વધુ વિગતો મેળવવા પૂછપરછ શરૂ કરી છે.