
નવી દિલ્હીઃ એશિયા કપ ટી-20 ક્રિકેટમાં આજે ભારત દુબઈ ક્રિકેટ સ્ટેડિયમમાં બાંગ્લાદેશ સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ રાત્રે 8:00 વાગ્યે શરૂ થશે. ગઇકાલે પાકિસ્તાને UAEના અબુ ધાબીના શેખ ઝાયેદ સ્ટેડિયમ ખાતે રમાયેલી સુપર ફોર મેચમાં શ્રીલંકાને 5 વિકેટથી હરાવ્યું હતું. એશિયા કપ 2025ના સુપર ફોરમાં આજે ટીમ ઈન્ડિયા બાંગ્લાદેશનો સામનો કરશે. દુબઈમાં તૈયારીઓ દરમિયાન બાંગ્લાદેશના કેપ્ટન લિટન દાસને ઈજા થઈ છે. પ્રેક્ટિસ સેશન દરમિયાન નેટ બેટિંગ કરતી વખતે તેમના ડાબી પાંસળીમાં ઈજા નોંધાઇ હતી. ઇજા થવાના તરત પછી ટીમના ડૉક્ટર અને ફિઝિયો મેદાન પર આવીને તપાસ કરી. લિટન થોડીવાર માટે જમીન પર સૂઈ ગયા, પરંતુ પછી ઊભા થઈ ગયા બેટિંગ માટે મેદાન પર પરત નથી ફર્યા.
લિટન દાસની ઈજા બાંગ્લાદેશ માટે મોટી ચિંતાનું કારણ બની છે, કારણ કે ટીમે આ મેચ માટે ઉપ-કેપ્ટન નિમણૂક કરી નથી. જો લિટન રમશે નહીં, તો સ્ટેન્ડ-ઇન કેપ્ટન કોણ બનશે તે હજુ સ્પષ્ટ નથી. ટીમ બેલેન્સને લઈને પણ પ્રશ્ન ઉભો થયો છે. પાર્વેઝ હુસૈન ઇમોનને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળવાની શક્યતા છે, પરંતુ તેઓ ઇનિંગ ખોલશે કે નહીં તે સ્પષ્ટ નથી.
ભારતની સંભવિત પ્લેઇંગ ઈલેવન : અભિષેક શર્મા, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), તિલક વર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), શિવમ દુબે, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી, અર્શદીપ સિંહ.
બાંગ્લાદેશની સંભવિત ઈલેવન : સૈફ હસન, તન્ઝીદ હસન, તમીમ ઈકબાલ, લિટન દાસ (વિકેટકીપર/કેપ્ટન), તોહીદ હ્રિદોય, શમીમ હુસૈન, ઝાકર અલી, મહેદી હસન, નસુમ અહેમદ, તસ્કીન અહેમદ, મુસ્તફિઝુર રહેમાન, શોરીફુલ ઈસ્લામ.