નવી દિલ્હી : એશિયા કપ 2025માં ભારત અને પાકિસ્તાન વચ્ચેનો મુકાબલો 14 સપ્ટેમ્બરે રમાનાર છે. પરંતુ આ હાઇવોલ્ટેજ મેચને લઈ સૌ ખુશ નથી. પહેલગામ આતંકી હુમલા બાદ પહેલીવાર ભારતીય ટીમ પાકિસ્તાન સામે રમવા ઉતરશે, જેને લઈને સોશિયલ મીડિયા પર ભારે વિરોધ થઈ રહ્યો છે. અનેક લોકો આ મેચનો બોયકૉટ કરવાની માંગ ઉઠાવી રહ્યા છે. આ દરમિયાન IPLની ટીમ પંજાબ કિંગ્સે એવુ અનોખુ પગલું ભર્યું કે જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયું છે.
પંજાબ કિંગ્સે પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર ભારત-પાકિસ્તાન મેચ માટે એક પોસ્ટ શેર કરી, પરંતુ તેમાં પાકિસ્તાનનો લોગો જ મુકાયો નહોતો. પોસ્ટમાં ફક્ત ભારતીય ટીમનો લોગો મૂકાયો હતો અને ખેલાડી સુર્યકુમાર યાદવની તસવીર દર્શાવવામાં આવી હતી. પાકિસ્તાન માટેનો કોલમ ખાલી જ રાખવામાં આવ્યો હતો. પંજાબ કિંગ્સની આ પોસ્ટ લોકોમાં ચર્ચાનો વિષય બની ગઈ છે અને ચાહકો તેને ખુબ જ પસંદ કરી રહ્યા છે. ઘણા લોકો તેને પાકિસ્તાન માટેની સીધી બેઇજ્જતી ગણાવી રહ્યા છે.
આ મેચ સામે અવાજ ઉઠાવનારામાં પૂર્વ ક્રિકેટર મનોજ તિવારી બાદ હવે હરભજન સિંહ પણ જોડાયા છે. હરભજને એક ઇવેન્ટમાં જણાવ્યું કે ભારત-પાકિસ્તાન મેચ પર દુનિયાની નજર હોય છે, પરંતુ ઓપરેશન સિંદૂર બાદ તો જાહેર કરવામાં આવ્યું હતું કે હવે પાકિસ્તાન સાથે ક્રિકેટ અને વેપાર નહીં થાય. તેમણે ઉમેર્યું કે વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લેજન્ડ્સ દરમિયાન પણ અમે પાકિસ્તાન સામેનો મેચ બોયકૉટ કર્યો હતો. જો કે હરભજને સ્પષ્ટ કર્યું કે આ તેમની વ્યક્તિગત અભિપ્રાય છે અને તેઓ સરકારના નિર્ણયનું સન્માન કરે છે. ગૌરવની વાત એ છે કે, આ પહેલાં મનોજ તિવારીએ પણ ખુલ્લેઆમ કહ્યું હતું કે તેઓ ભારત-પાકિસ્તાનનો મેચ નહિ જુએ.

