
ચેમ્પિયન્સ ટ્રોફીઃ ભારતીય ટીમ સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સાથે ટકરાશે
ચેમ્પિયન્સ ટ્રોફીની છેલ્લી મેચ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં ભારતીય સ્પિનરોનું વર્ચસ્વ જોવા મળ્યું. લો સ્કોરિંગ મેચમાં વરુણ ચક્રવર્તીની શાનદાર બોલિંગનાં કારણે ટીમ ઈન્ડિયાએ 44 રનથી જીત મેળવી છે. વરુણ ચક્રવર્તીને તેમનાં ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે ‘પ્લેયર ઓફ ધ મેચ’ તરીકે પસંદ કરવામાં આવ્યાં. આગામી ચાર માર્ચના રોજ આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની સેમીફાઈનલ મુકાબલામાં ભારતની ટક્કર ઓસ્ટ્રેલિયા સાથે થશે. જ્યારે બીજી સેમિફાઈનલ દક્ષિણ આફ્રિકા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાશે.
250 રનના નાના લક્ષ્યનો પીછો કરતા, ન્યુઝીલેન્ડ ફક્ત 45.3 ઓવર સુધી ક્રીઝ પર ટકી શક્યું અને 205 રનમાં તેની બધી વિકેટ ગુમાવી દીધી હતી. કેન વિલિયમસન 120 બોલમાં 81 રન સાથે સૌથી વધુ સ્કોરર રહ્યો. અંતે, કેપ્ટન મિશેલ સેન્ટનરે 31 બોલમાં 28 રનની ઝડપી ઈનિંગ રમી પરંતુ તે ટીમને જીત અપાવી શક્યો નહીં.
ટીમ ઈન્ડિયાની બોલિંગની વાત કરીએ તો, સ્પિનરોનો દબદબો રહ્યો. વરુણ ચક્રવર્તીએ પોતાના કુલ 10 ઓવરમાં ફક્ત 42 રન આપ્યા અને 5 કિવી બેટ્સમેનોને પેવેલિયન મોકલ્યા. આ ઉપરાંત કુલદીપ યાદવે બે, જાડેજા અને અક્ષર પટેલે એક-એક વિકેટ મેળવી હતી. ઝડપી બોલરોમાં, ફક્ત હાર્દિકને એક જ સફળતા મળી.
અગાઉ, ટોસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતર્યા બાદ, ટીમ ઈન્ડિયાની શરૂઆત નિરાશાજનક રહી. ઓપનર શુભમન ગિલ 2 રન અને કેપ્ટન રોહિત શર્મા 15 રનમાં પેવેલિયન પરત ફર્યા. ત્રીજા નંબરે પોતાની 300મી વનડે રમવા માટે મેદાનમાં ઉતરેલા સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ માત્ર 11 રન માર્યા હતા.
એક સમયે, ભારતે 6.4 ઓવર પછી માત્ર 30 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ શ્રેયસ ઐય્યર 79 રન અને અક્ષર પટેલે 42 રન માર્યા હતા. હાર્દિક પંડ્યાએ ઝડપી રમત રમી 45 બોલમાં 45 રન મારી ટીમનો સ્કોર 249 સુધી પહોંચાડ્યો હતો.
ન્યૂઝીલેન્ડ તરફથી મેટ હેનરીએ સૌથી વધુ 5 વિકેટ લીધી હતી. આ ઉપરાંત જેમીસન, વિલિયમ્સ, સેન્ટનર અને રચિન રવિન્દ્રને એક-એક સફળતા મળી. વરુણ ચક્રવર્તીને તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે ‘પ્લેયર ઓફ ધ મેચ’ તરીકે પસંદ કરવામાં આવ્યો.