રાજકોટ, 11 જુલાઈ, 2026 : Concrete layers peel off underbridge built a year ago. શહેરના એસ્ટ્રોન નજીક હોમી દસ્તુર માર્ગ પર રેલવે સાથે સંકલન કરીને મ્યુનિ.કોર્પોરેશન દ્વારા રૂપિયા 4 કરોડનાં ખર્ચે અન્ડરપાસ બનાવવામાં આવ્યો હતો અને ગત વર્ષે ઓગષ્ટ 2025માં અન્ડરપાસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અન્ડરરપાસ ખુલ્લો મુકવામાં આવતા હજારો વાહન ચાલકોને રાહત મળી હતી. જો કે આ અન્ડરપાસના લોકાર્પણને હજુ એકવર્ષ પણ પૂરું થયું નથી ત્યાં જ આ અન્ડરપાસમાં પોપડા ઉખડવા લાગ્યા છે. જેને લઈને મ્યુનિની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે.
શહેરના યાજ્ઞિક રોડ તરફથી અમીન માર્ગ જવા માટે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ડો.હોમી દસ્તુર માર્ગ પર રૂ. 4 કરોડનાં ખર્ચે રેલવે સાથે સંકલન કરીને અન્ડરપાસ બનાવવામાં આવ્યો છે. જોકે તેમાં પાણી નિકાલ માટેની સમસ્યા હોવાથી લાંબા સમયથી અન્ડરપાસ ખૂલ્લો મુકવામાં આવતો નહોતો, પરંતુ ઓગષ્ટ -2025માં વરસાદની ખાસ શક્યતા નહીં હોવાથી મ્યુનિ, દ્વારા કોઇ પ્રકારના ઉદ્ઘાટનનાં તાયફાઓ વિના અન્ડરપાસ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જેને લઈને યાજ્ઞિક રોડ તરફથી અમીન માર્ગ જતા હજારો વાહન ચાલકોને વધુ એક રસ્તો મળતા ટ્રાફિક સમસ્યા હળવી થઇ છે. જોકે આ અન્ડરપાસ ખુલ્લો મુક્યાને હજુ એક વર્ષ પણ થયું નથી. ત્યાં જ તેના બાંધકામમાં ગંભીર ક્ષતિઓ સામે આવી છે. જેમાં આ અન્ડરપાસમાં અત્યારથી અમુક સ્થળે પોપડા ઉખડવા લાગ્યા છે. આ અંગે આરએમસીના પદાધિકારીના કહેવા મુજબ આ અન્ડરપાસ રેલવે દ્વારા બનાવવામાં આવ્યો છે. અને રેલવે અધિકારીનું આ અંગે ધ્યાન દોરવામાં આવશે.

