1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ક્રૂડ-ઓઈલની ક્રાઈસિસને લીધે અંકલેશ્વરની ઈન્ડસ્ટ્રીઝમાં મંદીની મોકાણ
ક્રૂડ-ઓઈલની ક્રાઈસિસને લીધે અંકલેશ્વરની ઈન્ડસ્ટ્રીઝમાં મંદીની મોકાણ

ક્રૂડ-ઓઈલની ક્રાઈસિસને લીધે અંકલેશ્વરની ઈન્ડસ્ટ્રીઝમાં મંદીની મોકાણ

0
Social Share

ભરૂચ, 27 મે, 2026 : Crude oil crisis leads to slowdown in Ankleshwar’s industries  ક્રુડ-ઓઈલની તંગીને લીધે ઉદ્યોગ-ધંધા પર પણ વિપરિત અસર પડી રહી છે. ત્યારે ભરૂચ અને અંકલેશ્વરના ઓદ્યોગિક ઝોનમાં પણ મંદીનો દૌર શરુ થયો છે. દેશના ‘કેમિકલ કેપિટલ’ ગણાતા આ વિસ્તારમાં પેટ્રોલ-ડીઝલમાં વધારાની અસર કન્ટેનર ટ્રાન્સપોર્ટેશન પર પડી છે. કન્ટેનર ટ્રાન્સપોર્ટના ભાડામાં 15%થી 20%નો ઉછાળો આવતા લોજિસ્ટિક્સ ખર્ચ વધ્યો છે જેને પગલે સ્થાનિક ઉદ્યોગોમાં ભારે મંદી જોવા મળી રહી છે.

ઉદ્યોગકારોના કહેવા મુજબ દેશમાં છેલ્લા 15 દિવસમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 8 રૂપિયા જેટલો ભાવ વધારો ઝીંકવામાં આવ્યો છે. પેટ્રોલ-ડીઝલના ભાવ વધતા દહેજ-મુંબઇ રૂટ પર દોડતા કન્ટેનરના ભાડામાં પણ 15થી 20%નો વધારો થયો છે. એક કન્ટેનર ટ્રાન્સપોર્ટ ખર્ચમાં 8000થી 15 હજાર રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. આયાત-નિકાસ ખર્ચમાં પણ ભારે વધારો થયો છે. બંદરો પર લોજિસ્ટિક ખર્ચ પણ વધ્યો છે જેની સીધી અસર નિકાસ ઓર્ડર પર પડી રહી છે. હાલ માત્ર ઇંધણ જ નહીં પરંતુ કન્ટેનર અને લોજિસ્ટિક્સ ખર્ચ પણ ઝડપથી વધી રહ્યો છે. ખાસ કરીને દહેજ, હઝીરા અને મુન્દ્રા પોર્ટ સાથે જોડાયેલા ઉદ્યોગોમાં કાચામાલ અને તૈયાર માલના ટ્રાન્સપોર્ટ ખર્ચમાં ભારે વધારો નોંધાયો છે.

એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહતોમાંની એક ગણાતી અંકલેશ્વર GIDCમાં અંદાજે 1200થી વધુ કેમિકલ અને પ્રોસેસ ઉદ્યોગો કાર્યરત છે. અહીં મોટા ભાગના ઉદ્યોગો 24 કલાક સતત ઉત્પાદન પ્રક્રિયા ઉપર આધારિત છે. પરંતુ હાલ ડીઝલ અને ગેસ પુરવઠાની અનિશ્ચિતતા વચ્ચે અનેક ઉદ્યોગોમાં ઉત્પાદનને માઠી અસર પહોંચી છે. ઉદ્યોગકારોનું કહેવું છે કે વીજ પુરવઠામાં ખલેલ પડે ત્યારે ઉત્પાદન ચાલુ રાખવા ડીઝલ ફરજિયાત બની જાય છે, પરંતુ પેટ્રોલ પંપો ઉપર મર્યાદિત ઇંધણ અને કેરબામાં ડીઝલ પુરવઠા ઉપરના નિયંત્રણને કારણે ઉદ્યોગોને દૈનિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

ભરૂચના એક ઉદ્યોગકારે જણાવ્યું હતું કે, માત્ર ડીઝલ નહીં પરંતુ સમગ્ર ક્રૂડ આધારિત રો-મટિરિયલ અને ટ્રાન્સપોર્ટ ખર્ચમાં વધારો થતા ઉદ્યોગોનું ગણિત બગડી રહ્યું છે. હાલ ઉદ્યોગકારો ઉત્પાદન ખર્ચ અને બજાર વચ્ચે સંતુલન સાધવામાં સંઘર્ષ કરી રહ્યા છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code