
દિલ્હીના પૂર્વ સીએમ કેજરીવાલના બંગલાના નવીનીકરણની તપાસ થશે, સીવીસીનો આદેશ
નવી દિલ્હી : દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે જે બંગલામાં રહેતા હતા, તેના નવીનીકરણમાં કથિત અનિયમિતતાઓની તપાસનો આદેશ સેન્ટ્રલ વિજિલન્સ કમિશન (CVC) એ આપ્યો છે. સેન્ટ્રલ પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ (CPWD) દ્વારા સુપરત કરાયેલા રિપોર્ટના આધારે આ આદેશ આપવામાં આવ્યો છે.
આ CPWD રિપોર્ટમાં દિલ્હીના સિવિલ લાઇન્સમાં 6, ફ્લેગસ્ટાફ રોડ ખાતે મુખ્યમંત્રીના નિવાસસ્થાનના નવીનીકરણમાં અનિયમિતતાઓનો આરોપ મૂકવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે સમગ્ર ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપે આ બંગલાનું નામ “શીશમહેલ” રાખીને આમ આદમી પાર્ટી અને કેજરીવાલ પર પ્રહારો કર્યા હતા.
ભાજપના નેતા વિજેન્દ્ર ગુપ્તાએ આ મામલે ફરિયાદ નોંધાવી હતી અને આરોપ લગાવ્યો હતો કે દિલ્હી સરકારના જાહેર બાંધકામ વિભાગે લગભગ આઠ એકરમાં બનેલા બંગલાને ફરીથી બનાવતી વખતે નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. તેમણે દાવો કર્યો હતો કે તેના બાંધકામમાં ઘણી ગેરરીતિઓ થઈ છે.