1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. નિવૃત શિક્ષિકાને ડિજિટલ એરેસ્ટ કરીને સાયબર માફિયાઓએ 99 લાખ પડાવ્યા
નિવૃત શિક્ષિકાને ડિજિટલ એરેસ્ટ કરીને સાયબર માફિયાઓએ 99 લાખ પડાવ્યા

નિવૃત શિક્ષિકાને ડિજિટલ એરેસ્ટ કરીને સાયબર માફિયાઓએ 99 લાખ પડાવ્યા

0
Social Share

ગાંધીનગર, 23 ફેબ્રુઆરી 2026: સાયબર માફિયાઓ સામે લોકોને જાગૃત રહેવા સરકાર દ્વારા  ગાઈ-વગાડીને કહેવામાં આવી રહ્યું છે છતાંયે ભણેલા-ગણેલા અને ખાસ કરીને સિનિયર સિટીઝન્સ સાયબર ક્રાઈમનો ભોગ બની રહ્યા છે. ગાંધીનગરના એક નિવૃત શિક્ષિકાને ડિજિટલ એરેસ્ટ કરીને માયબર માફિયાઓએ ધાક-ધમકી આપીને રૂપિયા 99 લાખ પડાવ્યા હતા. આ અંગેની ફરિયાદ નોંધાતા ગાંધીનગર સાયબર ક્રાઈમ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની વિગત એવી છે કે, ગાંધીનગરના સેક્ટર 8માં રહેતા 65 વર્ષીય નિવૃત્ત શિક્ષિકાના પતિ અને પુત્ર હાલ સિંગાપુર રહે છે. જ્યારે તેમનો નાનો દીકરો પ્રાઈવેટ કંપનીમાં નોકરી કરે છે. નિવૃત્ત શિક્ષિકાને ગત 16 જાન્યુઆરીના રોજ એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનારે જણાવ્યું હતું કે, તમારા નામે બીજું સિમકાર્ડ લેવામાં આવ્યું છે, જેના દ્વારા લોકોને ધમકીઓ અપાઈ રહી છે. ત્યાર બાદ કોન્ફરન્સ કોલમાં અજય ગુપ્તા નામના વ્યક્તિએ પોતાની ઓળખ CBI ઓફિસર તરીકે આપી હતી. તેણે નિવૃત્ત શિક્ષિકાને ડરાવ્યા હતા કે, તેમનું બેંક એકાઉન્ટ નરેશ ગોહેલ નામના મની લોન્ડરિંગના આરોપી સાથે જોડાયેલું છે. આ સાંભળીને નિવૃત્ત શિક્ષિકા ગભરાઈ ગયા હતા. એટલે ભેજાબાજોએ તેમને વિશ્વાસમાં લેવા માટે વોટ્સએપ પર સુપ્રીમ કોર્ટનો નકલી ઓર્ડર, ધરપકડ વોરંટ અને ઇન્ટરોગેશન રેકોર્ડના બનાવટી દસ્તાવેજો મોકલ્યા હતા.

ત્યારબાદ બે-બે કલાકે સેફ હોવાનો મેસેજ કરવા મજબૂર કરી એક પ્રકારે ડિજિટલ અરેસ્ટ કર્યા હતા. આ દરમિયાન ખાતાની તપાસ કરવાના બહાને ગઠિયાઓએ નિવૃત્ત શિક્ષિકાને તેમના નાણાં અલગ અલગ બેંક ખાતામાં ટ્રાન્સફર કરવા જણાવ્યું હતું. જેથી નિવૃત્ત શિક્ષિકાએ તા. 5 ફેબ્રુઆરીથી 13 ફેબ્રુઆરી 2026 દરમિયાન પોતાના SBI અને પોસ્ટ ઓફિસના ખાતામાંથી કુલ 99 લાખ RTGS દ્વારા ટ્રાન્સફર કર્યા હતા. આખરે વેરિફિકેશન બાદ પણ નાણાં પરત ન આવતા નિવૃત્ત શિક્ષિકાને પોતે છેતરાયા હોવાનો અહેસાસ થયો હતો. આ અંગે તેમણે સાયબર હેલ્પલાઈન નંબર 1930 પર જાણ કરી હતી. ત્યાર બાદ ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code