
- પ્રા. શિક્ષકોને 70 યોજનાની માહિતી માટે ડોર ટુ ડોર સર્વેની કામગીરી સોંપાઈ
- શિક્ષક સંઘ કામગીરીના બહિષ્કારના એલાનથી દુર રહ્યો
- સંઘ કહે છે, શિક્ષકો વ્યક્તિગત કામગીરીનો બહિષ્કાર કરશે તો રોકીશું નહીં
ગાંધીનગરઃ ગુજરાતમાં પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ઘટ હોવા છતાંયે પ્રથામિક શિક્ષકો પાસેથી શિક્ષણ સિવાયની કામગીરી કામગીરી કરાવવામાં આવી રહી છે. શિક્ષણ સિવાયની કામગીરી નહી કરાવવાનો શિક્ષણ વિભાગનો આદેશ હોવા છતાં કલોલ અને ગાંધીનગર તાલુકાના 61 ગામોમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ સરકારી 42 યોજનાઓના 70 મુદ્દાઓનો સર્વે ડોર ટુ ડોર કરવાની કામગીરી પ્રાથમિક શિક્ષકોને સોંપવામાં આવી છે. આથી શિક્ષકોમાં નારાજગી જોવા મળી રહી છે. જો કે ગાંધીનગર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ કામગીરીના બહિષ્કારનો આદેશ કરવાથી દુર રહ્યો હતો. પરંતું શિક્ષકો નૈતિક રીતે વ્યક્તિગત કામગીરીનો બહિષ્કાર કરશે તો અમે રોકી શકીશું નહી તેવી રજુઆત કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીને કરી હોવાનું જાણવા મળ્યુ છે.
સૂત્રોના જણાવ્યા મુજબ પ્રાથમિક શાળાના શિક્ષકોની પાસે બનિ શૈક્ષણિક કામગીરી નહી કરાવવાનો આદેશ રાજ્યના શિક્ષણ વિભાગે વર્ષ-2009માં કર્યો હતો. પરંતું તેની અમલવારી માત્રને માત્ર સરકારી ફાઇલ પૂરતી હોય તેમ જિલ્લાના કલોલ તાલુકાના 51 અને ગાંધીનગર તાલુકાના 10 સહિત કુલ-61 ગામોના કેટલા પરિવારોએ કેન્દ્ર અને રાજ્ય સરકારની 42 જેટલી યોજનાઓનો લાભ લીધો છે. તેના માટે શિક્ષકોને વિવિધ માહિતી લેવા માટે 70 જેટલા મુદ્દાઓનું ફોર્મ આપવામાં આવ્યું છે. ડોર ટુ ડોર સર્વે કરીને આ માહિતીને ઓનલાઇન અપલોડ કરવાની સુચના પણ આપવામાં આવી છે. સરકારના આ આદેશ સામે પ્રાથમિક શિક્ષકોમાં વિરોધનો સૂર ઉઠવા પામ્યો છે. શિક્ષકોને હાલમાં અલગ અલગ પ્રકારની દસ જેટલી શૈક્ષણિક કામગીરી કરવાની હોવાથી બિન શૈક્ષણિક કામગીરી નહી સોંપવા શિક્ષણ વિભાગના આદેશની અમલવારી કરવાની લેખિત રજુઆત ગાંધીનગર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘે જિલ્લા કલેક્ટરને કરી છે.
આ ઉપરાંત સામાન્ય વહિવટી વિભાગના વર્ષ-1997ના આદેશ મુજબ આવી કામગીરી ગ્રામમિત્રો, કોલેજના વિદ્યાર્થીઓ અથવા શિક્ષિત બેરોજગારને માનદ્ વેતન આપી કરાવી શકાય છે તેવો કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીને કરેલી રજુઆતમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાની શિક્ષક આલમમાં ચર્ચા જોવા મળી રહી છે. બિનશૈક્ષણિક કામગીરીમાંથી શિક્ષકોને મુક્ત કરવાની માંગણી કરી છે. ઉપરાંત જો અમારી માંગણીને ધ્યાને લઇને કંઇ નહી કરવામાં આવે અને શિક્ષકો નૈતિક રીતે વ્યક્તિગત આ કામગીરીનો બહિષ્કાર કરશે તો અમે તેઓને રોકી શકીશું નહી તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પરંતું ગાંધીનગર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ અને મહામંત્રી દ્વારા બિનશૈક્ષણિક કામગીરીના બહિષ્કારનું એલાન કરાયું નથી.