- રેલવે સ્ટેશન આસપાસ લારી-ગલ્લાના દબાણો,
- રિક્ષાચાલકોના અડિંગાથી રાહદારીઓને પણ ચાલવાની જગ્યા રહેતી નથી,
- રેલવે પરિસરમાં દબાણો સામે પગલાં લેવામાં પોલીસ નિષ્ક્રિય
અમદાવાદઃ શહેરના કાળુપુર રેલવે સ્ટેશનનું રિ-ડેવલપનું કામ ચાલી રહ્યું છે. જેથી કાળુપુર રેલવે સ્ટેશનથી ઉપડતી ઘણી ટ્રેનોને ડાયવર્ટ કરવામાં આવી છે. ટ્રાફિક પોલીસ દ્વારા કાલુપુર રેલવે સ્ટેશનથી સારંગપુર તરફનો એક બાજુનો રોડ વાહન વ્યવહાર માટે ચાલુ રાખવામાં આવ્યો છે. કાલુપુર ટ્રાફિક પોલીસ ચોકીથી લઈને સારંગપુર ચાર રસ્તા સુધીના રોડ ઉપર ટ્રાફિક સમસ્યા સર્જાઇ રહી છે. ઇનગેટના સ્ટેશનની બાજુમાં રોડ ઉપર લારી ગલ્લાના દબાણો અને રિક્ષા ચાલકો સાંકડો રોડ હોવા છતાં પણ પેસેન્જર લેવા માટે રોડ ઉપર જ ઉભા રહી જતા હોવાથી ટ્રાફિકજામની સમસ્યા રોજિંદી બની છે. લારી ગલ્લાના દબાણો અને રિક્ષા ચાલકોની દાદાગીરીના કારણે લોકોને ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડે છે છતાં પણ મ્યુનિસિપલ કોર્પોરેશન કે ટ્રાફિક પોલીસ દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી.
અમદાવાદ શહેરના કાલુપુર રેલવે સ્ટેશનના રી-ડેવલોપમેન્ટના કારણે કાલુપુરથી લઈને સારંગપુર તરફનો રોડ ચાલુ રાખવામાં આવ્યો છે. આ રોડ ઉપર ટ્રાફિકની સમસ્યા માથાના દુઃખારૂપ બનતી જાય છે. ટુ વ્હીલર, થ્રી વ્હીલર, ફોર વ્હીલર, ટેમ્પો રિક્ષા, ટેક્સી, AMTS, BRTS અને એસટી બસો પણ આ રોડ પરથી પસાર થાય છે. કાળુપુર રેલવે સ્ટેશનના રી ડેવલોપમેન્ટની કામગીરીને લીધે રોડ સાંકડો બની ગયો છે. ત્યારે આ રોડ ઉપરથી સતત વાહનોની અવરજવર થાય છે છતાં પણ રિક્ષાચાલકો પેસેન્જર લેવા માટે થઈને રોડ ઉપર ગમે ત્યાં ઉભી રાખી દે છે. જેના કારણે ટ્રાફિકની સમસ્યા વધી છે.
આ ઉપરાંત કાલુપુર ટ્રાફિક પોલીસ ચોકીની બાજુમાં અને સ્ટેશન ઇન ગેટ પાસે ફળ, ફ્રુટની લારીઓ અને પૂરી-શાકના ટેબલો રાખીને વેચાણ કરવામાં આવી રહ્યું છે. જેના કારણે રોડ ઉપર ટ્રાફિકની સમસ્યા થઈ રહી છે. રિક્ષા ચાલકો જે પેસેન્જર રેલવે સ્ટેશનની બહાર આવે છે તેને લઈ જવા માટે પાછળ ટ્રાફિક થતો હોવા છતાં પણ રિક્ષા ઉભી રાખી દે છે સાંકડો રોડ હોવાથી છતાં પણ ત્યાં રિક્ષાની લાંબી લાઈનો લગાવીને ઉભા રહી જતા હોવાના કારણે ટ્રાફિક જામ સર્જાય છે. કાલુપુર રેલવે સ્ટેશનના પરિસરમાં ગેટ પાસે પણ રિક્ષા ચાલકો ઉભા રહી જતા હોય છે. રેલવે સ્ટેશનનું રીડેવલપમેન્ટ થઈ રહ્યું હોવાથી ઓટો રિક્ષાની લેન અલગ જ રાખવામાં આવી છે. ટેક્સી લેન અલગ રાખેલી હોવા છતાં પણ રિક્ષાચાલકો અને કેટલાક ટેક્સી ચાલકો પોતાના મરજી મુજબ ઊભા રહી જતા હોય છે. રેલવે સ્ટેશન પરિસરમાં “નો પાર્કિંગ” હોવા છતાં પણ ત્યાં રીક્ષાઓ ઉભેલી જોવા મળી હતી રેલવેના નિયમ મુજબ દંડ કરવામાં આવે છે પરંતુ ક્યાંય કોઈ પણ RPF કે રેલવે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવતી નથી.