અમદાવાદ, 27 મે, 2026 : Ebola virus આફ્રિકન દેશો યુગાન્ડા અને કોંગોમાં ફેલાયેલા ઇબોલા નામના વાઇરસને લીધે આફ્રિકન દેશોમાંથી ગુજરાત આવતા પ્રવાસીઓની આરોગ્ય તપાસ કરવામાં આવી રહી છે. તાજેતરમાં આફ્રિકન દેશો યુગાન્ડા, સાઉથ સુદાન અને કોંગો દેશમાંથી અમદાવાદ આવેલા 11 જેટલા દર્દીઓને તેમના ઘરે હોમઆઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. જોકે એકપણ વ્યક્તિમાં ઇબોલાના લક્ષણો દેખાયા નથી, દરમિયાન તકેદારીના ભાગરૂપે AMCના આરોગ્ય વિભાગ દ્વારા એસવીપી (SVP) હોસ્પિટલમાં દર્દીઓને ક્વોરેન્ટાઇન કરવા માટે અલગથી 30 બેડનો વિશેષ વોર્ડ તૈયાર કરી દેવાયો છે.
આફ્રિકન દેશો યુગાન્ડા, દક્ષિણ સુદાન અને કોંગોમાં જીવલેણ ઇબોલા વાઇરસનો (Ebola Virus) પ્રકોપ વધતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું (AMC) આરોગ્ય વિભાગ એક્શન મોડમાં આવી ગયું છે. તકેદારીના ભાગરૂપે પ્રશાસન દ્વારા એએમસીના આરોગ્ય વિભાગ દ્વારા તમામ જરૂરી તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. આ આફ્રિકન દેશોમાંથી અમદાવાદ આવેલા 11 જેટલા પ્રવાસીઓને હાલ તેમના ઘરે જ હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે.
આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ આ તમામ મુસાફરો અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં રહે છે. હાલમાં આમાંથી એકપણ વ્યક્તિમાં ઇબોલાના લક્ષણો દેખાયા નથી, તેમજ તેઓ ત્યાં કોઈ પોઝિટિવ દર્દીના સંપર્કમાં પણ આવ્યા નથી. જો કે, સાવચેતીના પગલે હવે પછી આ ત્રણ દેશોમાંથી આવનારા તમામ પ્રવાસીઓને માટે હોમ આઇસોલેશન ફરજિયાત રહેશે. આ ઉપરાંત, કટોકટીની સ્થિતિને પહોંચી વળવા માટે અમદાવાદની એસવીપી (SVP) હોસ્પિટલમાં દર્દીઓને ક્વોરેન્ટાઇન કરવા માટે અલગથી 30 બેડનો વિશેષ વોર્ડ તૈયાર કરી દેવાયો છે.
આ અંગે અમદાવાદ મ્યુનિના આરોગ્ય વિભાગના અધિકારી ડો.ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે, આફ્રિકન દેશોમાં ફેલાયેલા ઇબોલા વાઇરસને લઈને રાજ્ય સરકારની માર્ગદર્શિકા મુજબ મ્યુનિસિપલ કોર્પોરેશનનું આરોગ્ય વિભાગ, રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ સિવિલ હોસ્પિટલ અને એરપોર્ટ સાથે સંકલનમાં રહી કામગીરી કરી રહ્યા છીએ.યુગાન્ડા, કોંગો અને સાઉથ સુદાન દેશોમાંથી આવતા લોકોને એરપોર્ટ પર સ્ક્રીનિંગ અને સેલ્ફ હોમ આઇસોલેશનમાં રાખવામાં આવી રહ્યા છે. છેલ્લા 3 દિવસમાં યુગાન્ડાથી 11 લોકો અમદાવાદ આવ્યા છે. જેમાં થલતેજમાં 10 અને જોધપુરના 1 નાગરિક છે. તમામ 11 લોકોને હાલમાં હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. કોઈપણ પ્રકારના તેઓને લક્ષણો નથી અને પોઝિટિવ દર્દીને સંપર્કમાં આવ્યા નથી.


