ભાવનગર, 15 મે 2026: Gang from Andhra Pradesh caught stealing BSNL cables શહેરમાં જમીનમાં બિછાવેલા બીએસએનએલના કેબલ કાઢીને ચોરી કરતી પરપ્રાંતની ગેન્ગને પોલીસે ઝડપી લીધી છે. શહેરના શેલારશા ચોકથી રેલવે સ્ટેશન રોડ વચ્ચે સરકારની માલિકીની ટેલિફોન કંપની બીએસએનએલના અંડરગ્રાઉન્ડ કોપર કેબલની ચોરી કરતી પરપ્રાંતિય ટોળકીના 4 શખસોને નિલમબાગ પોલીસે દબોચી લીધા છે. પોલીસે આરોપીઓ પાસેથી ચોરીનો મુદ્દામાલ, ખોદકામના ઓજારો અને એક બોલેરો પીકઅપ વાહન પણ જપ્ત કર્યું છે.
ભાવનગર શહેરમાં સરકારી માલિકીની બીએસએનએલ કંપની દ્વારા અગાઉ ગ્રાહકોને સુવિધા આપવા માટે જમીનમાં કોપર કેબલ લાઈન બિછાવવામાં આવી હતી. ટેકનોલોજી બદલાતા હાલ આ કેબલ લાઈન બંધ હાલતમાં છે, પરંતુ તેના કિંમતી વાયરો હજુ પણ જમીનમાં દબાયેલા છે. શહેરના શેલારશા ચોકથી રઝા ઈલેક્ટ્રિક સુધીના માર્ગ પરથી અજાણ્યા શખ્સોએ આશરે 20 મીટર લાંબો કોપર વાયર (કિંમત ₹25,000) જમીન ખોદીને ચોરી કરી લીધો હતો.
આ અંગે શહેરના પાનવાડી સ્થિત બીએસએનએલ કચેરીના હેડ ઓફિસના જુનિયર ટેલિકોમ ઓફિસર પ્રિતેશ હરેન્દ્રપ્રસાદે નિલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે તપાસ તેજ કરી બાતમીદારો અને ટેકનિકલ સોર્સની મદદથી તપાસ હાથ ધરી હતી.પોલીસે આ ચોરીના ગુનામાં આંધ્રપ્રદેશના વતની ચાર શખસોની ધરપકડ કરી છે. જેમાં રાજેશ સનપાંગી, સ્વામી નાગપાય શિવરાથરી, વેંકન્ના વિરાસ્વામી શિવરાથરી, શિવપ્રસાદ વિરજુ છલ્લાને ઝડપી પાડ્યા હતા. પોલીસે આ શખસો પાસેથી ચોરીના કેબલ અને ગુનામાં વપરાયેલા વાહન કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ટોળકી અન્ય કોઈ સ્થળે આવી ચોરીમાં સંડોવાયેલી છે કે કેમ તે અંગે પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.


