નવી દિલ્હી: ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ નવી ODI રેન્કિંગ જાહેર કરી છે, જેમાં વિરાટ કોહલીને એક સ્થાનનો લાભ મળ્યો છે અને તેનો હવે ટોપ-5 બેટ્સમેનમાં સમાવેશ થયા છે. ટીમ ઈન્ડિયાએ આ અઠવાડિયામાં કોઈ ODI મેચ ન રમી હોવા છતાં, પાકિસ્તાનના બેટ્સમેન બાબર આઝમના ફ્લોપ પ્રદર્શનનો ફાયદો કોહલી અને શ્રીલંકાના ચરિત અસલંકાને મળ્યો છે. આઈસીસીની ODI બેટિંગ રેન્કિંગમાં ભારતના કેપ્ટન રોહિત શર્મા પ્રથમ સ્થાન પર યથાવત છે. તેના 781 રેટિંગ પોઈન્ટ્સ છે. રોહિતે ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીમાં બીજી વન-ડેમાં 73 અને ત્રીજી વન-ડેમાં 121 રનની અણનમ ઈનિંગ રમી હતી. આ પ્રદર્શનના આધારે રોહીત થોડા અઠવાડિયા પહેલા ટોપ પર પહોંચ્યો હતો અને હવે પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે.
વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયા સામેના પ્રથમ બે વનડેમાં શૂન્ય રન બનાવ્યા હતા, પરંતુ ત્રીજા મેચમાં 74 રનની સરસ ઈનિંગ રમી હતી. તેમ છતાં, તેમની રેન્કિંગ સુધારામાં આ ઈનિંગનો ફાળો નહોતો, જો કે, બાબર આઝમના ખરાબ પ્રદર્શનના કારણે વિરાટને એક સ્થાનનો ફાયદો થયો છે. બાબર આઝમે ગયા અઠવાડિયામાં દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકા સામે ત્રણ વનડે રમી હતી, તેમાં તેણે અનુક્રમે 11, 27 અને 29 રન બનાવ્યા હતા. તેના કારણે બાબર રેન્કિંગમાં પાંચમા સ્થાનથી ખસી સાતમા સ્થાને પહોંચી ગયો છે.
- આઈસીસી ODI બેટ્સમેન રેન્કિંગ ટોપ-10
રોહિત શર્મા (ભારત) – 781
ઇબ્રાહિમ જાદરાન (અફઘાનિસ્તાન) – 764
ડેરિયલ મિચેલ (ન્યુઝીલેન્ડ) – 746
શુભમન ગિલ (ભારત) – 745
વિરાટ કોહલી (ભારત) – 725
ચરિત અસલંકા (શ્રીલંકા) – 710
બાબર આઝમ (પાકિસ્તાન) – 709
હેરી ટેક્ટર (આયર્લેન્ડ) – 708
શ્રેયસ અય્યર (ભારત) – 700
શાય હોપ (વેસ્ટઈન્ડિઝ) – 690
- ટી20 રેન્કિંગમાં અભિષેક શર્મા ટોપ પર યથાવત
આઈસીસી ટી20 બેટિંગ રેન્કિંગમાં ભારતના અભિષેક શર્માએ પોતાનું પ્રથમ સ્થાન જાળવી રાખ્યું છે. તિલક વર્માને બે સ્થાનનો નુકસાન થયુ છે અને તેઓ ત્રીજા સ્થાનથી પાંચમા સ્થાને ખસી ગયો છે. જ્યારે ટી20 ઓલરાઉન્ડર રેન્કિંગમાં હાર્દિક પંડ્યા એક સ્થાન ગુમાવીને હવે પાંચમા ક્રમે પહોંચી ગયો છે.

