ગેરકાયદે બાંધકામ કોઈ પણ ધર્મનું હોય, કાર્યવાહી થવી જોઈએઃ સુપ્રીમ કોર્ટ
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટમાં બુલડોઝરની કાર્યવાહીને લઈને સુનાવણી યોજાઈ હતી. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે, જાહેર સુરક્ષા સર્વોપરી છે અને રસ્તાઓ, જળાશયો અથવા રેલવે ટ્રેક પર અતિક્રમણ કરતું કોઈપણ ધાર્મિક માળખું દૂર કરવું જોઈએ. કોર્ટે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારત એક બિનસાંપ્રદાયિક દેશ છે અને બુલડોઝરની કાર્યવાહી તથા અતિક્રમણ વિરોધી ઝુંબેશ માટેના તેના નિર્દેશો તમામ નાગરિકો માટે હશે, તેમના ધર્મને ધ્યાનમાં લીધા વિના.
સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન યુપી સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતા પહોંચ્યા હતા. જો કે, તે મધ્યપ્રદેશ અને રાજસ્થાન તરફથી પણ ઉપસ્થિત રહ્યાં હતા. તેમણે કહ્યું, “હું સૂચન કરું છું કે રજિસ્ટર્ડ પોસ્ટ દ્વારા નોટિસ મોકલવાની સિસ્ટમ હોવી જોઈએ. 10 દિવસનો સમય આપવો જોઈએ. હું કેટલીક હકીકતો જણાવવા માંગુ છું.” અહીં એવી છબી બનાવવામાં આવી રહી છે કે જાણે કોઈ સમુદાયને નિશાન બનાવવામાં આવી રહ્યો હોય.”
સોલિસિટર જનરલ તુષાર મહેતાની દલીલ પર જસ્ટિસ ગવઈએ કહ્યું કે, અમે સેક્યુલર સિસ્ટમમાં છીએ. ગેરકાયદે બાંધકામ હિંદુનું હોય કે મુસ્લિમનું… કાર્યવાહી થવી જોઈએ. આના પર મહેતાએ કહ્યું કે અલબત્ત, આવું જ થાય છે. આ પછી જસ્ટિસ વિશ્વનાથને કહ્યું કે, જો બે ગેરકાયદેસર બાંધકામ છે અને તમે કોઈપણ ગુનાના આરોપના આધારે તેમાંથી માત્ર એકને તોડી પાડો છો, તો ચોક્કસ પ્રશ્નો ઉભા થશે. આ દરમિયાન જસ્ટિસ ગવઈએ કહ્યું કે, જ્યારે હું મુંબઈમાં જજ હતો ત્યારે મેં જાતે જ ફૂટપાથ પરથી ગેરકાયદે બાંધકામો હટાવવાનો આદેશ આપ્યો હતો, પરંતુ આપણે સમજવું પડશે કે ગુનામાં આરોપી કે દોષિત બનવું એ ઘર તોડી પાડવાનો આધાર ન હોઈ શકે. આને ‘બુલડોઝર જસ્ટિસ’ કહેવામાં આવી રહ્યું છે.
સોલિસિટર મહેતાએ કહ્યું કે નોટિસ દિવાલ પર ચોંટાડવામાં આવી છે. આ લોકો માંગ કરી રહ્યા છે કે આવું સાક્ષીઓની હાજરીમાં થવું જોઈએ. તેના પર જસ્ટિસ ગવઈએ કહ્યું કે, જો નોટિસ બનાવટી થઈ શકે છે તો સાક્ષીઓ પણ બનાવટી થઈ શકે છે. આનો ઉકેલ આવતો જણાતો નથી. જસ્ટિસ ગવઈએ કહ્યું કે, જો 10 દિવસનો સમય આપવામાં આવે તો લોકો કોર્ટનો સંપર્ક કરી શકશે. આ અંગે મહેતાએ કહ્યું કે, હું નમ્રતાથી કહેવા માંગુ છું કે આ સ્થાનિક મ્યુનિસિપલ નિયમો સાથે ચેડાં હશે. આ રીતે ગેરકાયદે બાંધકામ દૂર કરવું મુશ્કેલ બનશે.
મહેતાની દલીલ સાંભળ્યા બાદ જસ્ટિસ વિશ્વનાથને કહ્યું કે, પરિવારને બીજે ક્યાંક રોકાઈને વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે 15 દિવસનો સમય આપવો જોઈએ. ઘરમાં બાળકો અને વૃદ્ધો પણ રહે છે. લોકો અચાનક ક્યાં જશે? આના પર મહેતાએ કહ્યું કે, હું માત્ર એટલું જ કહું છું કે કોર્ટે એવો ઉકેલ ન આપવો જોઈએ જે કાયદામાં નથી. આ પછી જસ્ટિસ ગવઈએ કહ્યું કે, અમે ફક્ત તે જ ઉકેલો આપવા માંગીએ છીએ જે પહેલાથી જ કાયદામાં છે. અમે રસ્તા, ફૂટપાથ વગેરે પર કરવામાં આવતા બાંધકામને કોઈ સુરક્ષા આપીશું નહીં.
અરજીકર્તાના વકીલ સી.યુ. સિંહે કહ્યું કે, હું આવા ઘણા ઉદાહરણો આપી શકું છું જ્યાં એફઆઈઆર નોંધાતાની સાથે જ અચાનક બુલડોઝર ઘર પર પહોંચી ગયું હતું. સુપ્રીમ કોર્ટના પ્રતિબંધ બાદ પણ આસામ અને ગુજરાતમાં અચાનક બુલડોઝરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેના પર ન્યાયાધીશે કહ્યું કે અમે એવો કોઈ આદેશ નહીં આપીએ જે અતિક્રમણ કરનારાઓને મદદરૂપ થાય.
આ દરમિયાન વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવી પણ એક અરજીકર્તા તરફથી બોલવા ઉભા થયા. આ જોઈને તુષાર મહેતાએ મજાકના સ્વરમાં કહ્યું હતું કે, “મને નવાઈ લાગે છે કે ગરીબ અરજદાર સિંઘવીજીની ફી કેવી રીતે ચૂકવી શકે છે.” આના પર સિંઘવીએ કહ્યું, “તમે ભૂલી જાવ છો, કેટલીકવાર અમે પણ પોતાને મફતમાં રજૂ કરીએ છીએ.”
જસ્ટિસ ગવઈએ કહ્યું કે, અમે આગળ વાત કરીશું. ચાલો જોઈએ કે અમારા ઓર્ડરનું પરિણામ શું આવશે. આ અંગે મહેતાએ કહ્યું હતું કે, તમે યોગ્ય લાગે તેવો આદેશ આપી શકો છો, પરંતુ મહેરબાની કરીને ધ્યાનમાં રાખો કે બિલ્ડરો અને વ્યવસ્થિત રીતે ગેરકાયદેસર રીતે અતિક્રમણ કરનારા લોકો તેનો લાભ લઈ શકશે નહીં. આ દલીલ પર ન્યાયાધીશે કહ્યું કે, અમે એવો કોઈ આદેશ નહીં આપીએ જે અતિક્રમણ કરનારાઓને મદદરૂપ થાય.
એડવોકેટ સીયુ સિંઘે કહ્યું હતું કે, “અમે માત્ર મ્યુનિસિપલ નિયમોનું પાલન કરવાની માંગ કરી રહ્યા છીએ. તાજેતરમાં ગણેશ પંડાલમાં પથ્થરમારાની ઘટના બની હતી. બુલડોઝર તાત્કાલિક વિસ્તારમાં પહોંચી ગયું હતું.. આ બધું બંધ થવું જોઈએ. યુપીમાં જાવેદ મોહમ્મદનું ઘર તેની પત્નીના નામે હતું. જાવેદ પર ટોળાની હિંસાનો આરોપ હતો. આખું 2 માળનું મકાન તોડી પાડવામાં આવ્યું હતું. “આ એટલું સામાન્ય થઈ ગયું છે કે ચૂંટણી પણ આ વાતો કહીને લડવામાં આવે છે.” દલીલો સાંભળ્યા બાદ જસ્ટિસ વિશ્વનાથને કહ્યું, “અમે માનીએ છીએ કે ડિમોલિશનની કાર્યવાહી ત્યારે જ થવી જોઈએ જ્યારે તે છેલ્લો વિકલ્પ હોય.”