નવી દિલ્હીઃ ભારત સરકારે પાડોશી દેશ બાંગ્લાદેશમાં હિંદુઓ સામે ચાલી રહેલી હિંસાની ઘટનાઓને રોકવા માટે એક મોટું પગલું ભર્યું છે. રાજધાની ઢાકા સહિત બાંગ્લાદેશના અલગ અલગ ભાગોમાં હિંદુ ઘરો, દુકાનો અને મંદિરો પર હુમલા અને બિનજરૂરી અત્યાચારની ઘટનાઓ સામે આવી રહી છે. આ દરમિયાન ભારતીય વિદેશ સચિવ વિક્રમ મિસરીની ઢાકાની સૂચિત મુલાકાતથી ત્યાંની સ્થિતિ સુધરવાની અપેક્ષા છે.
મોહમ્મદ યુનુસની વચગાળાની સરકાર સાથે વારંવાર પોતાની ચિંતા શેર કરી
વિદેશ મંત્રાલયના સત્તાવાર પ્રવક્તા રણધીર જયસ્વાલે શુક્રવારે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, વિદેશ સચિવ 9 ડિસેમ્બરે બાંગ્લાદેશની મુલાકાત લેશે અને તેઓ તેમના સમકક્ષને મળવાના છે. આ ઉપરાંત મુલાકાત દરમિયાન અન્ય ઘણી બેઠકો પણ થશે. વિદેશ કાર્યાલય પરામર્શ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે એક ઐતિહાસિક બંધન છે. અમે આ બેઠકની રાહ જોઈ રહ્યા છીએ. ભારતીય વિદેશ મંત્રાલયે બાંગ્લાદેશમાં હિંદુઓ પર થઈ રહેલા હુમલાઓને લઈને મોહમ્મદ યુનુસની વચગાળાની સરકાર સાથે વારંવાર પોતાની ચિંતા શેર કરી છે.
અત્યાચારો સહિત ઘણા દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા થવાની અપેક્ષા છે
બાંગ્લાદેશમાં હિંદુઓ પર થતાં હુમલા રોકવાની ભારત દ્વારા માંગ કરવાં છતાં યુનુસ સરકાર ત્યાંની સેના, પોલીસ અને પ્રશાસન અત્યાચાર રોકવામાં નિષ્ફળ રહી છે. તેથી, શેખ હસીનાના દેશવટો અને યુનુસ સરકારની રચના બાદ બંને દેશો વચ્ચેના તણાવ વચ્ચે ભારતીય વિદેશ સચિવ પ્રથમ વખત વિદેશ સચિવ સ્તરની બેઠક માટે ઢાકા જવાના છે. આ વાટાઘાટોમાં બાંગ્લાદેશ તરફથી શેખ હસીનાના સંભવિત પ્રત્યાર્પણ અને વિઝા સંબંધિત મુદ્દા અને હિન્દુ સંત ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ અને ભારત તરફથી લઘુમતીઓ પર થઈ રહેલા અત્યાચારો સહિત ઘણા દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા થવાની અપેક્ષા છે.