1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સુરતમાં અંગદાનને જાગૃતિ ફેલાવવા માટે ‘પતંગોત્સવ ઓર્ગન ડોનર પરિવાર સંગ’ આયોજન
સુરતમાં અંગદાનને જાગૃતિ ફેલાવવા માટે ‘પતંગોત્સવ ઓર્ગન ડોનર પરિવાર સંગ’ આયોજન

સુરતમાં અંગદાનને જાગૃતિ ફેલાવવા માટે ‘પતંગોત્સવ ઓર્ગન ડોનર પરિવાર સંગ’ આયોજન

0
Social Share

અમદાવાદઃ અંગદાનની જનજાગૃતિ માટે ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિયેશન અને ધી સર્ધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ (SGCCI) ના સહકારથી રવિવાર ૧૨ જાન્યુઆરીના રોજ “પતંગોત્સવ ઓર્ગન ડોનર પરિવારને સંગ” નું આયોજન કરવામાં આવ્યું છે.

ડોનેટ લાઇફ સંસ્થા સમાજમાં અંગદાનની જનજાગૃતિ ફેલાવવાનું અને બ્રેઇનડેડ વ્યક્તિના પરિવારજનોને સમજાવી બ્રેઇનડેડ વ્યક્તિનું અંગદાન કરવી અંગ નિષ્ફળતાના દર્દીઓને નવજીવન આપવાનું કાર્ય કરી રહી છે. ૨૦ વર્ષ પહેલા મોટાભાગના વર્ગને બ્રેઇનડેડ એટલે શું? ક્યા ક્યા અંગોનું દાન થઈ શકે તેની માહિતી ન હતી. ડર, અજ્ઞાનતા અને ધાર્મિક ગેરમાન્યતાઓને કારણે લોકો અંગદાન માટે આગળ નહોતા આવતા એવા સમયે નિલેશ માંડલેવાળા અને ડોનેટ લાઇફ સંસ્થાએ સમાજમાં ૨૪*૭=૩૬૫ દિવસ સ્કૂલો, કોલેજો, યુનિવર્સિટીઓ, વિવિધ સંસ્થાઓ, સ્મશાન ભૂમિ જેવા સ્થળોએ અંગદાન જનજાગૃતિ માટેના સેમિનાર ટ્રાફિક સિગ્નલ, સ્ટ્રીટ પ્લે, વોકાથોન, ગણેશ ઉત્સવ, પતંગોત્સવ જેવા કાર્યક્રમોનું આયોજન કરીને સમાજમાં અંગદાન જીવનદાનનો સંદેશો લગાતાર ફેલાવીને લોકોને અંગદાનનું મહત્વ સમજાવી રહ્યા છે.

સમાજમાં અંગદાન પ્રત્યે વધુ ને વધુ જાગૃતિ આવે, લોકો કેડેવર ઓર્ગન ડોનેશનનું મહત્વ સમજી અંગદાનની પ્રતિજ્ઞા લે, વધુ ને વધુ વ્યક્તિઓ તેમના બ્રેઇનડેડ સ્વજનના અંગોનું દાન કરાવીને અંગ નિષ્ફળતાના દર્દીઓને નવજીવન આપવા માટે આગળ આવે તથા જે પરિવારોએ તેમના બ્રેઇનડેડ સ્વજનના અંગોનું દાન કરીને હજારો ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન આપ્યું છે, તેઓના પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરવાના ઉદેશ્ય સાથે “પતંગોત્સવ ઓર્ગન ડોનર પરિવારને સંગ” નું આયોજન ડોનેટ લાઇફ સંસ્થા દ્વારા સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન અને ધી સર્ધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના સહકાર થી રવિવાર તા. ૧૨ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ સવારે ૮:૦૦ કલાક થી બપોરે ૧૨.૩૦ કલાક દરમિયાન લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ, ડુમસ રોડ, સુરત ખાતે કરવામાં આવ્યું છે. જેમાં ડોનેટ લાઇફ સંસ્થા દ્વારા ગ્રાઉન્ડ ઉપર પતંગ અને ફિરકીની વ્યવસ્થા રાખવામા આવેલ છે.

ગુજરાતનું સૌ પ્રથમ ઈન્ટરસીટી કેડેવરિક કિડનીનું દાન સ્વ. જગદીશભાઈ શાહનું ૧૨ જાન્યુઆરી ૨૦૦૬ ના રોજ સુરત થી કરવામાં આવ્યું હતું. જેને ૧૨ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ ૧૯ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ પતંગોત્સવમાં તેમનો પરિવાર પણ ઉપસ્થિત રહેશે અને તેમનું સન્માન કરવામાં આવનાર છે. ઓક્ટોબર ૨૦૨૧માં ડોનેટ લાઇફ સંસ્થા દ્વારા સુરત થી ૧૪ વર્ષીય સ્વ.ધાર્મિક કાકડીયાના દાન કરાવેલા હાથોના ટ્રાન્સપ્લાન્ટ દ્વારા નવું જીવન મેળવનાર પૂનાનો ૩૬ વર્ષીય યુવાન પ્રકાશ તેના પરિવાર સાથે પતંગોત્સવમાં ભાગ લેવા આવી રહ્યો છે.

પ્રકાશ સ્વ.ધાર્મિકના હાથો વડે હવે થ્રી વ્હીલ વ્હીકલ પણ ચલાવી શકે છે. આ પતંગોત્સવમાં અંગદાતાના પરિવારજનો, શહેરની વિવિધ હોસ્પિટલના સંચાલકો, સુરત શહેરના ડોક્ટરમિત્રો, વિવિધ સામાજિક સંસ્થાઓ અને સમાજના અગ્રણીઓ, સ્કૂલ-કોલેજના વિદ્યાર્થીઓ, વિવિધ રાજકીય પક્ષના અગ્રણીઓ, શહેરના વિવિધ વિભાગના વડાઓ તથા શહેરીજનો સાથે મળીને પતંગના માધ્યમથી સમાજમાં અંગદાન જીવનદાન નો સંદેશો ફેલાવવામાં આવશે. આ પતંગોત્સવમાં શહેરીજનોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સમાજમાં અંગદાન જીવનદાન નો સંદેશો ફેલાવવા ડોનેટ લાઇફ સંસ્થાના સ્થાપક નિલેશ માંડલેવાળાએ અપીલ કરી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code