સુરેન્દ્રનગર, 17 એપ્રિલ 2026: local BJP leaders join Congress ચૂંટણી ટાણે પક્ષ પલટુઓની મોસમ પણ ખીલી ઊઠતી હોય છે. ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં લખતર તાલુકા ભાજપમાં મોટું રાજકીય ગાબડું પડ્યું છે. તાલુકા ભાજપના અનેક પૂર્વ હોદ્દેદારો અને આગેવાનો કોંગ્રેસમાં જોડાયા છે. સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નૌશાદ સોલંકીએ તમામ આગેવાનોને ખેસ પહેરાવીને પક્ષમાં આવકાર્યા હતા.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ટાણે જ લખતર તાલુકાના ભાજપના અગ્રણીઓ કોંગ્રેસમાં જોડાતા ભાજપને ફટકો પડ્યો છે. ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાનારાઓમાં સુરેન્દ્રનગર જિલ્લા યુવા ભાજપ મોરચાના પૂર્વ મંત્રી રાજુભાઈ લકુમ, લખતર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ નરેન્દ્રસિંહ (નયુભા) રાણા, તાલુકા ભાજપના પૂર્વ ઉપપ્રમુખ બાબુભાઈ સોલંકી તેમજ જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય માવજીભાઈ રાઠોડનો સમાવેશ થાય છે. તો કેટલાક પાટીદાર અગ્રણીઓએ પણ કોંગ્રેસનો હાથ પકડ્યો હતો.
આ આગેવાનોના કોંગ્રેસમાં પ્રવેશથી સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ચૂંટણી પહેલા ભાજપને મોટો ઝટકો લાગ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે, જ્યારે કોંગ્રેસ પક્ષે આ જોડાણને પોતાની મજબૂતી તરીકે રજૂ કર્યું છે. કોંગ્રેસમાં જોડાયેલા નેતાઓએ કહ્યું હતું કે, ભાજપના અમુક નેતાઓના કારણે અમારી અવગણના થતી હતી અમારા વિસ્તારમાં ધારાસભ્ય દ્વારા રસ્તા માટે ગ્રાન્ટ ફાળવ્યા બાદ જિલ્લા પંચાયત સદસ્યના રોડ થઈ જવાના ખોટા આક્ષેપ બાદ ગ્રાન્ટ પરત ખેંચી વિકાસના કામો અટકાવી દેવામાં આવ્યા હતા. આ અંગે સાચી રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં પ્રજાના કામોમાં ભાજપના નેતાઓ જ વિઘ્ન નાંખતા હોઇ અમોએ ભાજપ સાથે છેડો ફાડ્યો છે.


