
માર્ચ 2026 પહેલા દેશમાં ડાબેરી ઉગ્રવાદ સંપૂર્ણપણે નાબૂદ થઈ જશે: અમિત શાહ
કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે છત્તીસગઢનાં રાયપુરમાં ડાબેરી ઉગ્રવાદ પર પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું. પત્રકાર પરિષદને સંબોધતાં અમિત શાહે કહ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ડાબેરી ઉગ્રવાદ સામેની લડાઈ તેના અંતિમ તબક્કામાં છે. તેમણે કહ્યું કે હવે મજબૂત વ્યૂહરચના અને નિર્દય અભિગમ સાથે એલડબ્લ્યુઇ સામે અંતિમ ફટકો મારવાનો સમય આવી ગયો છે. તેમણે કહ્યું કે માર્ચ 2026 પહેલા દેશમાં ડાબેરી ઉગ્રવાદ સંપૂર્ણપણે નાબૂદ થઈ જશે.
અમિત શાહે જણાવ્યું હતું કે, મોદી સરકારે ડાબેરી વિચારધારાને બદલે વિકાસમાં લોકોમાં વિશ્વાસ જગાવવાનું કામ કર્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે, ડાબેરી ઉગ્રવાદ દેશની લોકશાહી વ્યવસ્થા સામે સૌથી મોટો પડકાર છે અને મોદી સરકારે ડાબેરી ઉગ્રવાદને પડકાર તરીકે લીધો છે અને દેશમાંથી આ સમસ્યાને નાબૂદ કરવા કટિબદ્ધ છે. કેન્દ્રીય ગૃહમંત્રીએ વામપંથી ઉગ્રવાદ સાથે સંકળાયેલા યુવાનોને હિંસાથી દૂર રહેવા અને પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં ચાલી રહેલા દેશના વિકાસના મહાયજ્ઞમાં જોડાવા હાકલ કરી હતી.
અમિત શાહે જણાવ્યું હતું કે, મોદી સરકાર ડાબેરી ઉગ્રવાદની વિચારધારાથી દૂર રહીને વિકાસની માન્યતા સાથે આગળ વધી રહી છે. તેમણે કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર ડાબેરી ઉગ્રવાદને કારણે વિકાસનાં અભાવનાં અંતરને દૂર કરવા શક્ય તમામ પ્રયાસો કરી રહી છે. શાહે ધ્યાન દોર્યું હતું કે, મોદી સરકારની દ્રઢતાને કારણે વર્ષ 2019થી 2024 દરમિયાન ઘણાં રાજ્યોને ડાબેરી ઉગ્રવાદમાંથી લગભગ સંપૂર્ણપણે મુક્તિ મળી છે.
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ કહ્યું કે, 2022માં 4 દાયકામાં પહેલીવાર ડાબેરી હિંસાને કારણે મૃત્યુ પામનારા લોકોની સંખ્યા 100થી નીચે આવી છે. તેમણે ધ્યાન દોર્યું હતું કે 2022 અને 2024ની વચ્ચે સૌથી ઓછી સંખ્યામાં એલડબ્લ્યુઇ સંબંધિત હિંસક ઘટનાઓ નોંધાઈ છે. શાહે જણાવ્યું હતું કે, જ્યારે વર્ષ 2010માં સૌથી વધુ 1005 મૃત્યુ થયાં હતાં, ત્યારે વર્ષ 2023માં આ સંખ્યા ઘટીને 138 થઈ ગઈ છે. તેમણે કહ્યું કે સુરક્ષા શૂન્યાવકાશને ભરવાથી એલડબ્લ્યુઇના ધિરાણ ઇકોસિસ્ટમને ભારે ફટકો પડ્યો છે. તેમણે કહ્યું હતું કે, ડાબેરી ઉગ્રવાદને મર્યાદિત કરવો એ દેશના સુરક્ષા દળો અને લોકશાહીની જીત છે.
અમિત શાહે જણાવ્યું હતું કે, સીઆરપીએફમાં વર્ષ 2017માં ‘બસ્તરિયા બટાલિયન’ની સ્થાપના થઈ હતી, જેમાં તમામ જવાન બસ્તર વિસ્તારનાં હતાં. તેમણે કહ્યું કે કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી લીધા પછી, દંતેવાડા, સુકમા અને બીજાપુરના 400 આદિવાસી સૈનિકોને 2022 માં એક વિશેષ અભિયાન હેઠળ આ બટાલિયનમાં ભરતી કરવામાં આવ્યા હતા.
કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે, આ સમસ્યા સામે લડવાની સાથે સુરક્ષા દળો ડાબેરી ઉગ્રવાદ પ્રભાવિત વિસ્તારોમાં વિકાસ કાર્યો પર પણ નજર રાખી રહ્યા છે. તેમણે કહ્યું કે મોદી સરકારના છેલ્લા 10 વર્ષોમાં છત્તીસગઢમાં કનેક્ટિવિટી, રોડ નિર્માણ અને નાણાકીય સમાયોજનની દિશામાં ઘણું કામ થયું છે. શાહે જણાવ્યું હતું કે, છત્તીસગઢ સરકાર ટૂંક સમયમાં જ નવી શરણાગતિ નીતિ લાવશે, જેથી યુવાનો શસ્ત્રો છોડીને અસરકારક રીતે વિકાસની મુખ્ય ધારામાં જોડાઈ શકશે. તેમણે કહ્યું કે છત્તીસગઢ સરકારે તમામ સરકારી યોજનાઓની 100 ટકા સંતૃપ્તિ પ્રાપ્ત કરવા માટે માર્ચ 2025નું લક્ષ્ય રાખ્યું છે. શાહે જણાવ્યું હતું કે, ગૃહ મંત્રાલય અને છત્તીસગઢ સરકાર સાથે મળીને ડાબેરી ઉગ્રવાદને કારણે અશિક્ષિત લોકોને શિક્ષિત કરવા માટે એક અભિયાન ચલાવશે.
#LeftWingExtremism#AmitShah#Chhattisgarh#SecurityMeasures#CounterTerrorism#GovernmentStrategy#ViolenceReduction#NationBuilding#IndiaSecurity#DevelopmentInitiatives#ExtremismElimination#ModiGovernment#PeaceAndDevelopment#LawAndOrder#CRPF