પાલિતાણા, 7 જુન,2026 : Lion runs away with pilgrim’s bag in mouth on Shetrunjya mountain જૈનોના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાલિતાણામાં શેત્રુંજ્ય પર્વત પર યાત્રિકો પદયાત્રા કરીને જઈ રહ્યા હતા. ત્યારે પગદંડી પર અચાનક સિંહ આવી જતા યાત્રિકોમાં ભાગદોડ મચી ગઈ હતી. ઘણા યાત્રિકો પોતાની પાસે રહેલી બેગ અને થેલા રસ્તા પર જ છોડીને સલામત સ્થળે ખસી ગયા હતા. દરમિયાન એક યાત્રિકની બેગ મોઢામાં દબાવીને સિંહ જંગલ તરફ ભાગી ગયો હતો. આ દ્રશ્ય જોઈને હાજર યાત્રિકોમાં વધુ ફફડાટ ફેલાયો હતો. આ બનાવની જાણ થતાં વન વિભાગની ટીમ ટ્રેકર્સની મદદ લઈને તાત્કાલિક એક્શનમાં આવી ગઈ હતી. વનકર્મીઓએ સિંહ જે દિશામાં ગયો હતો તે શેત્રુંજય પર્વતના જંગલ વિસ્તારમાં સઘન સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. ભારે જહેમત બાદ વન વિભાગની ટીમે જંગલના અંદરના ભાગમાંથી યાત્રિકની તે બેગ શોધી કાઢી હતી. સિંહે બેગને નુકસાન પહોંચાડ્યું નહોતું અને સદનસીબે બેગમાં રહેલો તમામ કિંમતી સામાન એકદમ સુરક્ષિત હાલતમાં મળી આવ્યો હતો.
આ બનાવની વિગત એવી છે કે, પાલિતાણામાં શેત્રુંજય પર્વત પર જ્યારે યાત્રિકો યાત્રા કરી રહ્યા હતા ત્યારે અચાનક સિંહ સામે આવી ચડ્યો હતો. સિંહને જોઈને યાત્રિકોમાં દોડધામ મચી ગઈ હતી. આ દરમિયાન એક યાત્રિક પોતાનો સામાન મૂકીને ભાગ્યો હતો, ત્યારે સિંહ તે યાત્રિકની કિંમતી સામાનવાળી બેગ મોઢામાં ભરાવીને જંગલ તરફ રવાના થઈ ગયો હતો. બેગમાં મોંઘી અને મહત્ત્વની વસ્તુઓ હોવાને કારણે યાત્રિકનો જીવ ચિંતામાં મુકાયો હતો અને તેણે તાત્કાલિક વન વિભાગનો સંપર્ક સાધ્યો હતો. ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ તાત્કાલિક એક્શનમાં આવી હતી. વનકર્મીઓએ જંગલ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરીને યાત્રિકની ખોવાયેલી બેગ શોધી કાઢી હતી. વન વિભાગ દ્વારા આ બેગ સલામત રીતે શેઠ આણંદજી કલ્યાણજી પેઢીને સોંપવામાં આવી છે. જેથી તેના મૂળ માલિક સુધી સામાન પહોંચાડી શકાય છે. અને મૂળમાલિકએ પેઢી પરથી બેગને પરત મેળવી લીધી છે.
ઉલ્લેખનીય છે કે શેત્રુંજય ગિરિરાજ પર્વતની યાત્રાની પગદંડી પર વારંવાર સિંહ દેખાવાના બનાવો બનતા રહે છે. વન્યજીવોની આ પ્રકારે અવરજવરને કારણે અહીં આવતા શ્રદ્ધાળુઓ અને યાત્રિકોમાં સતત ભય અને અસલામતીનો માહોલ જોવા મળી રહ્યો છે. યાત્રિકોની સુરક્ષાને લઈને વન વિભાગ આગામી દિવસોમાં વધુ સતર્ક બને તેવી માંગ ઉઠી રહી છે.


