- પોલીસે મહિલાની ધરપકડ કરી તપાસ હાથ ધરી
- પતિ શારીરિક સંબંધો માટે દબાણ કરતો હોવાથી હત્યા કર્યાનું ખૂલ્યું
સાંગલીઃ ઇન્દોરના ઉદ્યોગપતિ રાજા રઘુવંશીની હત્યાના કેસની હાલ પોલીસ તપાસ કરી રહી છે ત્યારે આવી જ એક ચોંકાવનારી ઘટના મહારાષ્ટ્રમાં સામે આવી છે. મહારાષ્ટ્રના સાંગલીમાં 27 વર્ષીય મહિલાએ લગ્નના 15 દિવસ પછી જ તેના પતિની હત્યા કરી હતી. પોલીસે જણાવ્યું કે આ ઘટના રાત્રે 12.30 વાગ્યાની આસપાસ બની હતી જ્યારે મહિલાનો પતિ અનિલ લોખંડે તેના પર શારીરિક સંબંધો બનાવવા માટે દબાણ કરી રહ્યો હતો, જેના પગલે મહિલાએ તેના પર હુમલો કર્યો હતો. તેમણે કહ્યું કે આરોપી મહિલાની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસ અધિકારીએ જણાવ્યું કે સાંગલી જિલ્લાના કુપવાડ તહસીલના રહેવાસી અનિલ લોખંડેના આ બીજા લગ્ન હતા. તેમની પહેલી પત્નીનું કેન્સરથી મૃત્યુ થયું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, લગ્ન પછી શારીરિક સંબંધો બનાવવા અંગે અનિલ લોખંડે અને તેની પત્ની રાધિકા વચ્ચે ઉગ્ર દલીલ થઈ હતી. કુપવાડ એમઆઈડીસી પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે, “આનાથી ગુસ્સે થઈને રાધિકાએ સૂઈ ગયેલા પતિ પર કુહાડીથી હુમલો કર્યો હતો.” બાદમાં મહિલાની ધરપકડ કરવામાં આવી હતી અને ભારતીય દંડ સંહિતાની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. પોલીસની તપાસમાં હત્યાનું ચોક્કસ કારણ સામે સામે આવે તેવી શકયતા છે.


