1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. શિક્ષકોની કામગીરી સામે બફાટ કર્યા બાદ મંત્રી રમેશ કટારાએ માફી માગી
શિક્ષકોની કામગીરી સામે બફાટ કર્યા બાદ મંત્રી રમેશ કટારાએ માફી માગી

શિક્ષકોની કામગીરી સામે બફાટ કર્યા બાદ મંત્રી રમેશ કટારાએ માફી માગી

0
Social Share

ગાંધીનગર, 15 જુન, 2026 : Minister Ramesh Katara apologizes રાજ્યના કૃષિ વિભાગના રાજ્યમંત્રી રમેશ કટારાએ તાજેતરમાં ગોધરા ખાતે યોજાયેલા ‘વિકસિત ભારત સંકલ્પ સંમેલન’ ના મંચ પરથી શિક્ષકોની માનસિકતા અને કાર્યશૈલી પર ગંભીર સવાલો ઉઠાવીને બફાટ કર્યો હતો. કૃષિ રાજ્યમંત્રીના નિવેદન સામે શિક્ષક સંઘોએ આક્રોશ વ્યક્ત કરીને વિરોધ કર્યો હતો. વિરોધ વધતા મંત્રી રમેશ કટારાએ  જાહેરમાં પોતાના નિવેદન અંગે ખેદ વ્યક્ત કરતા જણાવ્યું છે કે, “મારાથી કાર્યક્રમમાં જે બોલાઈ ગયું એ બદલ હું માફી માગું છું અને મારા શબ્દો પાછા લઉં છું.” સરકારી મંત્રી દ્વારા જાહેરમાં માફી માગવામાં આવતા પાછલા બે દિવસથી શિક્ષણ જગત અને રાજકારણમાં ચાલી રહેલા ભારે ઘમસાણ પર આખરે પૂર્ણવિરામ મુકાયું છે.

ગોધરામાં સ્વામિનારાયણ મંદિરમાં યોજાયેલા ‘વિકસિત ભારત સંકલ્પ સંમેલન’ ના મંચ પરથી મંત્રી રમેશભાઈ કટારાએ શિક્ષકોને આડે હાથ લેતા વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે આક્ષેપ કર્યો હતો કે, 8મા અને 10મા નાણાં પંચ સુધીના તમામ આર્થિક લાભો અને ઉચ્ચ પગાર મેળવ્યા પછી પણ શિક્ષકોની ભૂખ ભાગતી નથી અને તેઓ સરકાર સામે અવારનવાર વિરોધ પ્રદર્શન કરે છે. આટલું જ નહીં, તેમણે શિક્ષકોની વ્યાવસાયિક નિષ્ઠા પર પ્રહાર કરતા એવું પણ કહ્યું હતું કે આજનો શિક્ષક વર્ગખંડમાં બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવાના બદલે પોતાના મોબાઈલ ફોનમાં જ રચ્યોપચ્યો રહે છે. રાજ્ય સરકારના જ એક જવાબદાર મંત્રી દ્વારા શૈક્ષણિક આલમની સરેઆમ ટીકા કરાતા સમગ્ર રાજ્યના શિક્ષક સંગઠનોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો અને સોશિયલ મીડિયા પર પણ આ નિવેદન ભારે ચર્ચાનો વિષય બન્યો હતો. ચારેય તરફથી ઘેરાયા બાદ અને પક્ષના મોવડીમંડળ તરફથી મળેલી કડક સૂચનાઓ બાદ, મંત્રીએ પોતાની ભૂલ સ્વીકારીને માફી માગી લીધી છે અને શિક્ષકો પ્રત્યે આદર વ્યક્ત કરતા પોતાના વિવાદિત શબ્દો વિધિવત રીતે પાછા ખેંચી લીધા છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code