1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ખોડલધામમાં લેઉવા પટેલ સમાજના મંત્રીઓ અને ભાજપના પ્રદેશ પ્રમુખનું સન્માન કરાયું
ખોડલધામમાં લેઉવા પટેલ સમાજના મંત્રીઓ અને ભાજપના પ્રદેશ પ્રમુખનું સન્માન કરાયું

ખોડલધામમાં લેઉવા પટેલ સમાજના મંત્રીઓ અને ભાજપના પ્રદેશ પ્રમુખનું સન્માન કરાયું

0
Social Share
  • ખોડલધામના નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચેનો ખટરાગ દૂર થયો,
  • કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા,

રાજકોટઃ લેઉવા પાટિદારોના આસ્થાના કેન્દ્રસમા રાજકોટ નજીક કાગવડમાં આવેલા ખોડલધામમાં આજે લેઉવા પટેલ સમાજના મંત્રીઓ તથા ભાજપના નવ નિયુક્ત પ્રદેશ અધ્યક્ષ જગદિશ વિશ્વકર્માનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ સન્માન સમારોહમાં જયેશ રાદડિયા પણ હાજર રહ્યા હતા, અને ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ અને જયેશ રાદડિયા એકબીજાને ગળે મળતા બન્ને વચ્ચે ઘણા સમયથી ચાલી રહેલા ખટરાગનો પણ અંત આવ્યો હતો.

ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા આજે ખોડલધામ મંદિર, કાગવડ મુકામે એક ભવ્ય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમારોહમાં ગુજરાત ભાજપના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ અને રાજ્ય સરકારમાં નવનિયુક્ત થયેલા લેઉવા પટેલ સમાજના મંત્રીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતુ.

ખોડલધામ ખાતે લેઉવા પાટીદાર સમાજ દ્વારા શક્તિ પ્રદર્શનના કાર્યક્રમમાંથી છેલ્લા ઘણા સમયથી ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ અને લેઉવા પાટીદાર અગ્રણી તેમજ ધારાસભ્ય જયેશ રાદડિયા વચ્ચે ચાલી રહેલું ‘કોલ્ડવોર’ આ કાર્યક્રમમાં સમાપ્ત થયું છે. આ પ્રતિષ્ઠિત કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભારત સરકારના કેબિનેટ મંત્રી મનસુખ માંડવિયાની પ્રેરક ઉપસ્થિતિ રહ્યાં હતા. સાથે પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પણ ઉપસ્થિત રહ્યાં.

ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા આ સન્માન સમારોહમાં ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જગદિશ વિશ્વકર્મા, રાજ્ય સરકારના નવનિયુક્ત લેઉવા પટેલ સમાજના મંત્રીઓ જીતુ વાઘાણી, કૌશિક વેકરીયા, કમલેશ પટેલનું સન્માન કરવામાં આવ્યું. જેમાં ટ્રસ્ટીઓ, વિવિધ કન્વીનરો અને તેમની ટીમ, રાજકીય અને સામાજિક આગેવાનો, વિવિધ એસોસિએશનના હોદ્દેદારો તેમજ સોશિયલ ગ્રુપના સભ્યો સહિત સમાજના લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી મહાનુભાવોને શુભેચ્છાઓ પાઠવી હતી.

આ કાર્યક્રમના અંતે ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ અને જેતપુર ધારાસભ્ય જયેશ રાદડિયા બંને એક બીજા સાથે વાતચીત કરતાં અને હળવાશની પળોમાં દેખાયા હતા.કાર્યક્રમના અંતે જયેશ રાદડિયાએ એક મોટું નિવેદન આપ્યું હતું કે જયેશ રાદડિયા હોય કે ના હોય ખોડલધામ રહેવાનું જ છે, ખોડલધામ સમાજનું ગૌરવ છે. નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે પાટીદાર અગ્રણી તેમજ રાજ્યના કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ સમાધાન કરાવ્યું હોવાની ચર્ચા થઈ રહી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code