
યુદ્ધ, ઉગ્રવાદ અને નક્સલવાદથી વધારે લોકો માર્ગ દૂર્ઘટનાઓમાં જીવ ગુમાવે છેઃ નિતિન ગડકરી
- કેન્દ્રીય મંત્રીએ માર્ગ અકસ્માતની ઘટનાઓને લઈને ચિંતા વ્યક્ત કરી
- એક વર્ષમાં માર્ગ અકસ્માતમાં 1.5 લાખથી વધારે વ્યક્તિના મોત
નવી દિલ્હીઃ કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, ભારતમાં યુદ્ધ, ઉગ્રવાદ અને નક્સલવાદથી પણ વધારે લોકો માર્ગ દૂર્ઘટનાઓમાં પોતાનો જીવ ગુમાવે છે. એફસીસીઆઈ રોડ સેફ્ટી એવોર્ડસ એન્ડ કોન્કલેવ 2024માં તેમણે વધુમાં જણાવ્યું હતું કે, માર્ગ પરિયોજનાઓના ડીપીઆઈના કારણએ બ્લેકસ્પોર્ટની સંખ્યા ઘટી છે. ભારતમાં વર્ષમાં પાંચ લાખ જેટલી દૂર્ઘટના સર્જાય છે જેમાં 1.5 લાખ લોકોના મોત થાય છે. જ્યારે 3 લાખ લોકો ઈજાગ્રસ્ત થાય છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આવા બનાવો માટે આપણે ડ્રાઈવરોને દોષી માનીએ છે પરંતુ મારા અભ્યાસ અનુસાર આવા ઘટના માટે માર્ગ એન્જિનિયરિંગ દોષી હોય છે. તેમણે તમામ રાજમાર્ગોના સુરક્ષા ઓડિટ કરાવવાની જરુરીયાત ઉપર ભાર મુક્યો હતો. માર્ગ ઘટનાઓ અટકાવવા માટે આપણે લેન અનુશાસનનું પાલન કરવું જોઈએ.
માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય એમ્બ્યુલન્સો અને તેમના ચાલકો માટે કોડ તૈયાર કરી રહ્યું છે જેથી માર્ગ અકસ્માતની ઘટનામાં પીડિતોને બચાવવા માટે કટર સહિતની આધુનિક ટેકનોલોજીના ઉપયોગની તાલીમ આપી શકાય. હાલ એમ્બ્યુલેન્સમાં હાલ આવા ઉપકરણો ઉપલબ્ધ નથી. જેથી ફસાયેલા લોકોને બચાવવાની કામગીરીમાં 3 કલાક જેટલો સમય લાગે છે. તેમણે વધુમાં કહ્યું કે, વર્ષ 2025થી માત્ર આંતરરાષ્ટ્રીય સુરક્ષા માનકોને પુરા કરનારી બસોને જ મંજુરી આપવામાં આવશે. તેમજ માર્ગ સુરક્ષા ઓડિટ કરવા માટે એન્જિનિયરિંગ કોલેજ અને આઈઆઈટીની મદદ લેવામાં આવશે.