![અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એક વર્ષમાં 11.50 લાખથી વધારે દર્દીઓની OPD માં તપાસ કરાઈ](https://revoi.s3.ap-south-1.amazonaws.com/wp-content/uploads/2024/11/23110801/civil-hospital.png)
અમદાવાદઃ રાજ્ય સરકાર દ્વારા ઉપલબ્ધ સુવિધાઓ તેમજ ઉત્તમ સારવારના પરિણામે એશિયાની સૌથી મોટી સરકારી સિવિલ હોસ્પિટલ એવી અમદાવાદ સિવિલ વર્ષ 2024માં પણ લાખો ગરીબ દર્દીઓ માટે આશીર્વાદ રૂપ બની છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વર્ષ 2024માં 11.50 લાખથી વધારે દર્દીઓની OPD, માં તપાસ કરવામાં આવી છે, જેમાંથી એક લાખ કરતા વધારે દર્દીઓને દાખલ કરી IPD દર્દી તરીકે સારવાર કરવામાં આવી છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 18 જેટલા વિવિધ સ્પેશિયાલિટી વિભાગોમાં તેમજ સરકારની સીએમ સેતુ તેમજ અન્ય બીજી યોજનાઓ અંતર્ગત સુપર સ્પેશિયાલિસ્ટ ડૉકટરો દ્વારા દર્દીઓને સારવાર આપવામાં આવે છે. સ્ટેટ ઓફ ધ આર્ટ મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને અત્યાધુનિક તબીબી સુવિધાઓથી સજ્જ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વર્ષ 2023ની સરખામણીમાં 40% વધુ સોનોગ્રાફી, 16% વધુ સિટી સ્કેન અને 15% વધુ એક્સ-રે કરવામાં આવ્યા છે.
એટલું જ નહિ, 30 લાખથી વધુ લેબોરેટરી ટેસ્ટ અને 56,000થી વધુ ઓપરેશન સાથે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખરાં અર્થમાં ‘ગરીબોની બેલી’ બની છે. વર્ષ 2024માં ચાર લાખથી વધુ એક્સરે, સવા લાખથી વધુ સોનોગ્રાફી, 14000થી વધુ સીટી સ્કેન તેમજ અંદાજિત 7000 જેટલા એમઆરઆઇ સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓની સારવાર વખતે કરવામાં આવ્યા છે, જે ગરીબ દર્દીઓની સારવાર પ્રત્યે સિવિલની પ્રતિબદ્ધતા સાર્થક કરે છે.
સિવિલ હોસ્પિટલના સુપરિટેન્ડેન્ટ રાકેશ જોષીએ જણાવ્યું હતું કે, અમદાવાદ સિવિલ દર વર્ષે દર્દીઓને ઉત્તરોત્તર વધુ સારી સારવાર પૂરી પાડીને તબીબી ક્ષેત્રે નવા માઈલસ્ટોન હાંસલ કરી રહી છે. વર્ષ ૨૦૨૩ની સરખામણીમાં વર્ષ ૨૦૨૪માં ઓપીડી(OPD), આઇપીડી (IPD), ઓપરેશન અને નિદાન સહિત તમામ પ્રકારની આરોગ્ય સેવાઓમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા વધુ અસરકારક કામગીરી કરવામાં આવી છે. એટલે જ, દેશના અન્ય રાજ્યોમાંથી પણ મોટી સંખ્યામાં દર્દીઓ અમદાવાદ સિવિલમાં સારવાર અર્થે આવે છે.