1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. આઈ-ખેડૂત પોર્ટલ પર ૬૦.૩૩ લાખથી વધુ ખેડૂતોએ યોજનાકીય સહાય માટે ૧.૪૨ કરોડથી વધુ અરજીઓ કરી
આઈ-ખેડૂત પોર્ટલ પર ૬૦.૩૩ લાખથી વધુ ખેડૂતોએ યોજનાકીય સહાય માટે ૧.૪૨ કરોડથી વધુ અરજીઓ કરી

આઈ-ખેડૂત પોર્ટલ પર ૬૦.૩૩ લાખથી વધુ ખેડૂતોએ યોજનાકીય સહાય માટે ૧.૪૨ કરોડથી વધુ અરજીઓ કરી

0
Social Share

ભારતરત્ન અને દેશના પૂર્વ પ્રધાનમંત્રી સ્વ. શ્રી અટલ બિહારી વાજપેયીના જન્મદિન નિમિત્તે દર વર્ષે  ૨૫ ડિસેમ્બરના રોજ “સુશાસન દિવસ” ઉજવવામાં આવે છે. ગુજરાતમાં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતની વિકાસ યાત્રાને વેગવંતી બનાવવા રાજ્યમાં સુશાસનિક માળખાનો મજબૂત પાયો નાખ્યો હતો. આજે એ જ કાર્યપ્રણાલીને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ મક્કમતાથી આગળ ધપાવી રહ્યા છે.

ગ્રામીણ વિસ્તારના નાગરિકોને લઘુત્તમ પ્રયત્નોથી સરકારની સેવા અને યોજનાકીય લાભો મહત્તમ રીતે મળી રહે એ જ સુશાસન છે. ગુજરાત સરકારે વર્ષ ૨૦૧૪માં શરૂ કરેલી આઈ-ખેડૂત પોર્ટલની સુદ્રઢ સુશાસનિક વ્યવસ્થા એ સુશાસનનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. ટેકનોલોજીના કાર્યક્ષમ ઉપયોગથી ખેડૂતોને સંપૂર્ણ પારદર્શિતા, સરળતા અને ઝડપથી વિવિધ કૃષિલક્ષી યોજનાના લાભ મળી રહે તે માટે રાજ્ય સરકારે આઈ-ખેડૂત પોર્ટલનો નવતર અભિગમ અપનાવ્યો હતો.

આજે ગુજરાત સરકારની કૃષિ, બાગાયત, પશુપાલન અને મત્સ્યપાલન સંબંધિત તમામ યોજનાઓનો અમલ અને સહાય ચૂકવણું આઈ-ખેડૂત પોર્ટલના માધ્યમથી થઈ રહ્યો છે. પરિણામે ખેડૂતોને અનેક કૃષિલક્ષી યોજનાઓના લાભ ઘરે બેઠા, આંગળીના ટેરવે જ મળી રહ્યા છે. પોર્ટલ શરૂ થયું ત્યારથી અત્યાર સુધીમાં રાજ્યના ૬૦.૩૩ લાખથી વધુ ખેડૂતો દ્વારા વિવિધ યોજનાકીય લાભો મેળવવા માટે આઈ-ખેડૂત પોર્ટલ પર કુલ ૧.૪૨ કરોડથી વધુ અરજીઓ કરવામાં આવી છે. આટલું જ નહીં, આ ૬૦.૩૩ લાખ ખેડૂતોને અત્યાર સુધીમાં રાજ્ય સરકાર દ્વારા વિવિધ યોજના હેઠળ કુલ રૂ. ૩૯૪૮ કરોડથી વધુની સહાય ચૂકવવામાં આવી છે, એ પણ સીધી તેમના બેંક ખાતામાં. માત્ર વર્ષ ૨૦૨૩-૨૪માં જ આશરે ૨.૧૫ લાખ ખેડૂતોને વિવિધ યોજના હેઠળ કુલ રૂ. ૬૪૦ કરોડથી વધુની સહાય ચૂકવવામાં આવી છે. આટલી માતબર સંખ્યામાં ખેડૂતો દ્વારા કરવામાં આવતી ઓનલાઈન અરજીઓ જ આઈ-ખેડૂત પોર્ટલની સ્વીકૃતિ પૂરવાર કરે છે.

અટલ બિહારી વાજપેયીએ આપેલી સુશાસનની પ્રેરણાથી ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ “Less Government, More Governance”ને મૂળ કાર્યમંત્ર બનાવી, ગુજરાતને દેશમાં વિકાસનું રોલ મોડલ બનાવ્યું છે.  મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ આજે ગુજરાત સરકારે સુશાસનને તેની કાર્યસંસ્કૃતિમાં ઉતાર્યું છે અને નાનામાં નાના માનવીને કોઇ તકલીફ ના પડે તે માટે આઈ-ખેડૂત પોર્ટલ જેવી અનેક સુશાસનિક વ્યવસ્થાઓનું નિર્માણ કર્યું છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code