ધારાસભ્યો અને મંત્રીઓને અધિકારીઓએ માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર
ગાંધીનગર, 26 ફેબ્રુઆરી 2026: રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો ઊઠી હતી. વિપક્ષના જ નહીં પણ સત્તાપક્ષ ભાજપના જ ધારાસભ્યોએ મુખ્યમંત્રીને રજુઆત કરી હતી. ઉપરાંત મંત્રીઓના જિલ્લાના પ્રવાસ દરમિયાન તેમનું માન સન્માન પણ ન જળવાતું હોવાની ફરિયાદો ઉઠી હતી. આખરે સરકારે આ બાબતને ગંભીરતાથી લઈ લેખિત પરિપત્ર કર્યો છે. પરિપત્રની સૂચનાઓનો ભંગ કરનારા અધિકારીઓ સામે શિસ્તભંગની કાર્યવાહી કરવાનો પણ ઉલ્લેખ કરાયો છે.
ગુજરાતમાં છેલ્લા ઘણા વખતથી અધિકારીરાજ હોવાનો ભાજપના નેતાઓને અહેસાસ થઈ રહ્યો છે. ધારાસભ્યો કે સાંસદો જ્યારે પ્રજાના પ્રશ્નોને અધિકારીઓને રજુઆત કરે ત્યારે તેમને પુરતો રિસપોન્સ આપવામાં આવતો ન હોવાની ફરિયાદો ઊઠી હતી. એટલું નહીં કેટલાક અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓના પણ ફોન ઉપાડવાની પણ તસ્દી લેતા નહોતા. આ અંગે મુખ્યમંત્રીને અનેક રજુઆતો મળી હતી. આથી લોકપ્રતિનિધિઓના માન-સન્માન અંગે ઉઠતી ફરિયાદોને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે કડક વલણ અપનાવ્યું છે. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરી તમામ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે તેઓ સાંસદ, મંત્રી અને ધારાસભ્યો સહિતના લોકપ્રતિનિધિઓ સાથે વિવેકપૂર્ણ અને સન્માનજનક વર્તન રાખે.સરકારને મળતી રજૂઆતોમાં લોકપ્રતિનિધિઓ સાથે યોગ્ય વ્યવહાર ન થતો હોવાની બાબતો સામે આવતા આ નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળે છે.
સરકારે ચેતવણી આપી છે કે જો કોઈ અધિકારી અથવા કર્મચારી દ્વારા આ સૂચનાઓનું ઉલ્લંઘન થશે તો તેમના સામે શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે. આ પગલું પ્રશાસનમાં પારદર્શિતા અને સમન્વય વધારવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. રાજકીય વર્તુળોમાં આ પરિપત્રને પ્રજાના હિતમાં લેવાયેલો નિર્ણય ગણાવવામાં આવી રહ્યો છે. લોકપ્રતિનિધિઓ અને વહીવટી તંત્ર વચ્ચે સુમેળ જળવાશે તો પ્રજાના પ્રશ્નોનો ઉકેલ વધુ ઝડપથી આવી શકશે એવી આશા વ્યક્ત થઈ રહી છે.


