રાજકોટ, 21 એપ્રિલ 2026: Swimming pool closed સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમ્પસમાં આવેલા સરદાર પટેલ સ્પોર્ટસ કોમપ્લેક્સમાં રૂપિયા 9 કરોડનાં ખર્ચે આધુનિક ઓલિમ્પિક કક્ષાના સ્વિમિંગ પુલનું નિર્માણ કરવામાં આવ્યું છે. પરંતુ હાલ આ સ્વિમિંગ પુલ તરવૈયાઓ માટે શોભાના ગાંઠીયા જેવો બની રહ્યો છે. જોકે સ્વિમિંગ પુલની સાથે આવેલો પ્રેક્ટીસ પુલ ચાલુ છે. પણ તરવૈયાઓ માટેના ઓલિમ્પિક કક્ષાના સ્વિંમિંગ પુલમાં પાણી નથી. 25 લાખ લીટર પાણીની ક્ષમતા ધરાવતો આ સ્વીમીંગ પુલ ઉનાળામાં ચાલુ થશે કે કેમ ? તે બાબતે જવાબદાર અધિકારીઓ પાસે કોઈ જવાબ નથી.
રાજકોટ શહેરમાં મ્યુ. કોર્પોરેશન દ્વારા સંચાલિત સ્વિંમિંગ પુલમાં ઉનાળાના દિવસો દરમિયાન ભારે ધસારો રહે છે. સ્વિમિંગ શિખવા ઇચ્છુક ઉમેદવારો પણ હોંશભેર વહેલી સવારની બેચમાં પ્રશિક્ષણ માટે પહોંચી જાય છે. જ્યારે યુનિ. કેમ્પસમાં આવેલા સ્વિમિંગ પુલનો લાભ કોલેજ અને યુનિ.ના કુશળ તરવૈયાઓને જ મળતો નથી. તેઓએ પ્રેક્ટીસ માટે અન્ય સ્વિમિંગ પુલમાં જવું પડે છે.
આ અંગે યુનિવર્સિટીના એક અધિકારીના કહેવા મુજબ યુનિવર્સિટી કેમ્પસમાં ઉનાળા દરમિયાન પાણીનો પ્રશ્ન ગંભીર રહેતો હોય છે. અત્યારે કૂવામાંથી પાણી આવે છે તેનાથી પ્રેક્ટીસ પુલમાં પાણી ભરવામાં આવે છે પરંતુ મેઇન સ્વીમીંગ પુલ માટે 25 લાખ લીટર પાણી જોઇએ. આટલો પાણીનો જથ્થો માત્ર સ્પર્ધા હોય ત્યારે ઉપલબ્ધ કરવામાં આવે છે બાકી સ્વિમિંગ પુલ ભરવાનું કામ મુશ્કેલ છે. અલબત તેમ છતાં આ વર્ષે સ્વીમીંગ પુલની સાફસફાઇ હાથ ધરવામાં આવી છે. ક્લોરીનેશન કામ પુરૂ થયા બાદ મુખ્ય સ્વિંમિંગ પુલ ભરવાની કામગીરી શરૂ થશે. ઉનાળામાં અહીં તરણ શિબિરનું આયોજન કરાશે.


