1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. પ્રાકૃતિક ખેતીથી જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ થયું બમણું : જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી
પ્રાકૃતિક ખેતીથી જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ થયું બમણું : જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી

પ્રાકૃતિક ખેતીથી જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ થયું બમણું : જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી

0
Social Share

ગાંધીનગર, 10 જુલાઈ 2026 : Increase in organic carbon in natural farming land પ્રાકૃતિક ખેતી માત્ર પરંપરાગત કૃષિ પદ્ધતિ નથી, પરંતુ ટકાઉ કૃષિ અને આબોહવા પરિવર્તન સામે લડવાનો વૈજ્ઞાનિક માર્ગ છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલા સંશોધનોએ આ વાતને વૈજ્ઞાનિક પુરાવા સાથે સાબિત કરી છે. સંશોધન મુજબ પ્રાકૃતિક ખેતી અપનાવવાથી માત્ર પાંચ વર્ષમાં જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ 0.45 ટકાથી વધીને 0.93 ટકા થયું છે. વરસાદી/સિંચાઈનું પાણી જમીનમાં ઉતરવાનો દર 6.50 સે.મી./કલાકથી વધીને 14.50 સે.મી./કલાક થયો છે, જ્યારે ભેજ સંગ્રહ ક્ષમતા 12.75 ટકાથી વધીને 19.84 ટકા નોંધાઈ છે. આ સાથે પ્રાકૃતિક ખેતી દ્વારા દર વર્ષે પ્રતિ હેક્ટર 4થી 8 ટન કાર્બન ડાયોક્સાઇડ સમકક્ષ (tCO₂e) જેટલો આબોહવા સંબંધિત લાભ મળી શકે છે. આ સંશોધનના તારણોને લોકભવન ખાતે રાજ્ય સ્તરીય પ્રાકૃતિક ખેતી સમીક્ષા બેઠકમાં રજૂ કરાયા હતા, જેને . રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ પણ મહત્વપૂર્ણ ગણાવ્યા હતા.

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીએ સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં જમીનના નમૂનાઓનું વૈજ્ઞાનિક વિશ્લેષણ કરીને ઓર્ગેનિક કાર્બનની સ્થિતિનું મૂલ્યાંકન કર્યું હતું. અભ્યાસમાં સૌરાષ્ટ્રની જમીનમાં સરેરાશ 0.57 ટકા ઓર્ગેનિક કાર્બન નોંધાયો હતો. જેમાં જિલ્લાઓ પ્રમાણે પોરબંદરમાં (0.82%), ગીર સોમનાથમાં (0.75%) અને જૂનાગઢમાં (0.72%) પ્રમાણ જોવા મળ્યું હતું, જ્યારે સુરેન્દ્રનગરમાં (0.44%), ભાવનગરમાં (0.45%) અને જામનગરમાં (0.46%) તે પ્રમાણ તુલનાત્મક રીતે ઓછું નોંધાયું હતું. સંશોધન દર્શાવે છે કે જે જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ વધુ છે ત્યાં જમીનની ફળદ્રુપતા, ભેજ સંરક્ષણ અને કૃષિ ઉત્પાદકતા પણ વધુ સારી છે.

વિવિધ ખેડૂતોના ખેતરોમાં કરાયેલા અભ્યાસમાં પ્રાકૃતિક ખેતીના નોંધપાત્ર પરિણામો સામે આવ્યા છે. પાંચ વર્ષ સુધી પ્રાકૃતિક ખેતી કરનાર ખેડૂતના ખેતરોમાં જમીનની છિદ્રાળુતા 34.63 ટકાથી વધીને 41.08 ટકા થઈ હતી, જ્યારે જમીનની ઘનતા 1.42થી ઘટીને 1.36 Mg/m³ થઈ હતી. આ ફેરફારોના કારણે જમીનમાં હવા અને પાણીનો પ્રવાહ સુધરે છે, મૂળનો વિકાસ સારો થાય છે અને પાકની ઉત્પાદન ક્ષમતા લાંબા ગાળે જળવાઈ રહે છે.

સંશોધનનું વધુ એક મહત્વપૂર્ણ પાસું આબોહવા પરિવર્તન સાથે જોડાયેલું છે. રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના ઉપયોગમાં ઘટાડો, પાક અવશેષોનું પુનઃચક્રિયકરણ, જીવામૃત જેવા પ્રાકૃતિક ઇનપુટ્સનો ઉપયોગ તથા ઓછી ખેડ જેવી પદ્ધતિઓ જમીનમાં કાર્બન સંગ્રહ વધારવામાં મદદરૂપ બને છે. પરિણામે ગ્રીનહાઉસ વાયુઓના ઉત્સર્જનમાં ઘટાડો થાય છે અને પ્રાકૃતિક ખેતી એક અસરકારક ક્લાઇમેટ-સ્માર્ટ એગ્રીકલ્ચર તરીકે ઉભરી રહી છે.

આજે જ્યારે જમીનના સ્વાસ્થ્યમાં ઘટાડો અને આબોહવા પરિવર્તન જેવા પડકારો સમગ્ર વિશ્વ સામે ઊભા છે, ત્યારે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનું આ સંશોધન સ્પષ્ટ સંદેશ આપે છે કે પ્રાકૃતિક ખેતી ખેડૂતોની સમૃદ્ધિ, સ્વસ્થ જમીન અને પર્યાવરણના સંરક્ષણ માટે અસરકારક તથા વૈજ્ઞાનિક રીતે પ્રમાણિત માર્ગ છે. ભારતના વર્ષ ૨૦૭૦ના નેટ ઝીરો લક્ષ્યને હાંસલ કરવામાં પણ પ્રાકૃતિક ખેતી મહત્વપૂર્ણ યોગદાન આપી શકે છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code