
- એમ્બ્યુલન્સ સહિત વાહનચાલકો બે કલાક ફસાયેલા રહ્યા,
- હાઈવે ઓથોરિટીની અધિકારીઓની બેદરકારીથી વારંવાર સર્જાતા ટ્રાફિક જામ,
- જાબુવા બ્રિજની આજુબાજુની સોસાયટીના રહિશો પણ ટ્રાફિકજામથી ત્રાસી ગયા છે
વડોદરાઃ શહેર નજીક અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર જાંબુવા બ્રિજ પરના ખાડાઓ અને બ્રિજ સાંકડો હોવાને લીધે ટ્રાફિક જામની સમસ્યા માથાના દૂઃખાવારૂપ બની છે. ત્યારે ફરીવાર આજે 15 કિમી લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે. વાહનચાલકો છેલ્લા બે કલાકથી વધુ સમયથી ફસાતા મુશ્કેલીમાં મુકાયા હતા. આ ટ્રાફિકમાં એમ્બ્યુલન્સ પણ અટવાઈ હતી. હાઈવે પર વરણાથી લઈને તરસાલીથી આગળ સુધી વાહનોની લાંબી કતારો લાગી હતી. વાહનચાલકો આ રોજિંદા માથાના દુખાવા સમાન સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વારંવાર ખાડા પુરવાની કામગીરી છતાં વરસાદના કારણે ફરી ખાડા પડી જતા હોવાથી આ સમસ્યાનું કોઈ કાયમી નિરાકરણ આવતું નથી, જેના પગલે વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
અમદાવાદ-મુંબઈના નેશનલ હાઈવે ટ્રાફિકથી સતત વ્યસ્ત રહેતો હોય છે. ત્યારે વડોદરા નજીક હાઈવે પર જાંબુવા નદી પરના સાંકડા બ્રિજને લીધે આજે 15 કિમી ટ્રાફિકજામ સર્જાયો હતો. બ્રિજ પરના ખાડાને લીધે વાહનો ખૂબ ધીમી ગતિએ ચાલતા હતા. જેના કારણે ટ્રાફિક જામ સર્જાયો હતો. જેમાં એમ્બ્યુલન્સો પણ એક-એક કલાક સુધી ટ્રાફિક જામમાં ફસાયેલી જોવા મળી હતી. જાંબુવા બ્રિજની બાજુમાં જ રહેણાંક સોસાયટીઓ અને સ્કૂલો આવેલી છે. જેથી સોસાયટીઓના રહીશો સોસાયટીની બહાર નીકળી શકતા નથી અને નીકળે તો ટ્રાફિક જામમાં અટવાઈ જાય છે. આ ઉપરાંત બાળકોને સ્કૂલે પહોંચવામાં પણ મોડું થઈ જાય છે. જાંબુવા બ્રિજ પાસે આવેલી આર્યન રેસિડેન્સીના રહીશો તો ટ્રાફિક જામની સમસ્યાથી ખૂબ જ ત્રસ્ત થઈ ગયા છે અને તંત્ર દ્વારા રોડની કામગીરી કરીને આ સમસ્યા દૂર કરવામાં આવે તેવી માગ કરી રહ્યા છે.
વાહનચાલકોના કહેવા મુજબ વડોદરા પાસે નેશનલ હાઇવે પર સવાર-સવારમાં 15 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાતા મોટી સંખ્યામાં વાહનચાલકો અટવાયા હતા. અહીં દર વખતે ચોમાસામાં વાહનચાલકો પરેશાન થાય છે અને ટ્રાફિકમાં ફસાઈ જાય છે. હાઈવે ઓથોરિટીના અધિકારીઓ પણ નિષ્ક્રિય છે.