
- રાષ્ટ્રપતિ આજે રાત્રી રોકાણ ટેન્ટસિટીમાં કરશે
- રાષ્ટ્રપતિ સ્મૃતિવન, સફેદ રણ અને ધોળાવીરાની મુલાકાત લેશે
- રાષ્ટ્પતિ કચ્છી સંસ્કૃતિનો કાર્યક્રમ નિહાળશે
ભૂજઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે બપોરે કચ્છની બે દિવસીય મુલાકાતે આવી પહોંચતા ભુજ એરફોર્સ સ્ટેશન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, કચ્છના પ્રભારી મંત્રી પ્રફુલ પાનશેરિયા, સાંસદ વિનોદ ચાવડા, ભુજ આર્મી સ્ટેશનના ડેપ્યુટી કમાન્ડન્ટ કર્નલ અમિત, રેન્જ આઈ.જી. ચિરાગ કોરડિયા, કચ્છ બી.એસ.એફ.ના ડીઆઇજી અનંતકુમાર, જિલ્લા કલેક્ટર અમિત અરોરાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ રાષ્ટ્રપતિ એરપોર્ટથી સીધાં સર્કિટ હાઉસ પહોંચ્યાં હતાં.
ભુજમાં રાષ્ટ્રપતિના આગમન દરમિયાન એરપોર્ટ રોડથી કોલેજ રોડ સુધીના તમામ આંતરિક માર્ગો વાહનવ્યવહાર માટે બંધ રાખવામાં આવ્યા હતા. શહેરીજનો રસ્તાની બાજુમાં ઊભા રહી રાષ્ટ્રપતિના કાફલાને નિહાળતા જોવા મળ્યા હતા.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના બે દિવસના કાર્યક્રમમાં ભુજિયા ડુંગર પાસે આવેલા સ્મૃતિવનની મુલાકાત લેશે. આ ઉપરાંત વિશ્વપ્રસિદ્ધ સફેદ રણની મુલાકાત માટે ધોરડો જશે. ધોરડોમાં ટેન્ટસિટી ખાતે સ્થાનિક કલાકારો સાથે સંવાદ કરશે અને હસ્તકળાના સ્ટોલની મુલાકાત લેશે. રાષ્ટ્રપતિ ધોરડોમાં સૂર્યાસ્તનો નજારો માણશે. સાંજે ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા આયોજિત કચ્છી સંસ્કૃતિનો કાર્યક્રમ નિહાળશે. રાત્રિરોકાણ પણ ધોરડોમાં કરશે.
રાષ્ટ્રપતિ કાલે શનિવારે સવારે 10:30 વાગ્યે ધોરડોથી વિશ્વ ધરોહર ધોળાવીરાની મુલાકાત લેશે. બપોરે 3:30 વાગ્યે ભુજ એરપોર્ટથી દિલ્હી પરત ફરશે. તંત્ર દ્વારા આ મુલાકાત માટે એક સપ્તાહથી તૈયારીઓ શરૂ કરવામાં આવી હતી અને ગુરુવારે એને આખરી ઓપ આપવામાં આવ્યો હતો.