- નવા બ્રિજની કામગીરીને લીધે સર્જાતો વારંવાર ટ્રાફિક જામ,
- સર્વિસ રોડ બનાવ્યા પહેલા જ કામગીરી શરૂ કરી દીધી,
- SG હાઈવે પર સાઉથ બોપલ જતાં ક્રોસ રોડ પર ટ્રાફિક જામ, વાહનોની લાઈનો લાગે છે
અમદાવાદઃ શહેરમાં સરખેજ-ગાંધીનગર હાઈવે પર સરખેજથી કર્ણાવતી કલબ સુધી ઓવરબ્રિજની કામગીરીનો પ્રારંભ થયો છે. બ્રિજની કાગીરી ચાલતી હોવાથી પતરાની આડશો મુકી દેતા હાઈને નાનો થયો છે. બીજીબાજુ સર્વિસ રોડ પણ બનાવ્યો નથી. તેથી હાઈવે પર વારંવાર સર્જાતા ટ્રાફિક જામને લીધે વાહનચાલકો ભારે પરેશાન થઈ રહ્યા છે. સાંજના સમયે તો હાઈવે પર સાઉથ બોપલનો રસ્તો ક્રોસ કરવા કલાકો સુધી રાહ જોવી પડતી હોય છે
શહેરના એસજી હાઈવે પર કર્ણાવતી ક્લબથી સાણંદ ચોકડી સુધી ઓવરબ્રિજ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. બ્રિજના પિલરની કામગીરી હાલ ચાલી રહી હોઈ, રસ્તાની બંને તરફ પતરાં મારી દેવામાં આવ્યાં છે. બીજીબાજુ બ્રિજની કામગીરી પહેલાં સર્વિસ રોડની કામગીરી પૂર્ણ ન કરાતા હવે સેંકડો વાહનચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. સવાર અને સાંજના સમયે પિક અવર્સમાં સર્વિસ રોડ પર ત્રણ-ચાર કિમી સુધી વાહનોની લાંબી લાઈન લાગતાં વાહનચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. મુખ્ય હાઈવે પર બ્રિજના કામના કારણે બંને તરફ પતરાંની આડશ કરેલી છે, જેના કારણે રોડ સાંકડો થઈ ગયો છે. તો બીજી તરફ સર્વિસ રોડ તૂટી ગયેલો છે, જ્યાં નવો રોડ બનાવવા માટે ખોદકામ પણ કરવામાં આવ્યું છે. એના કારણે વાહનચાલકોને ટ્રાફિકનો સામનો કરવો પડી રહ્યો છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા બ્રિજ બનાવતાં પહેલાં સર્વિસ રોડને તૈયાર કર્યા બાદ બ્રિજની કામગીરી ન કરવામાં આવતાં હજારો વાહનચાલકો હેરાન-પરેશાન થઈ રહ્યા છે.
ટ્રાફિક પોલીસના કહેવા મુજબ સરખેજ ગાંધીનગર હાઇવે પર નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા બ્રિજ બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. એના કારણે ટ્રાફિકની સમસ્યા થઈ રહી છે. હાઈવેનો સર્વિસ રોડ તૂટેલો છે અને રોડ ખોદી નાખવામાં આવેલો છે. એના કારણે ખૂબ જ ધીમી ગતિએ વાહનો ત્યાંથી પસાર થતાં થોડીવારમાં વાહનોની લાંબી લાઈન લાગી જાય છે. સર્વિસ રોડની કામગીરી હાલ કરવામાં આવી રહી છે, જે પૂર્ણ થયા બાદ ટ્રાફિક હળવો થઈ જશે.