દેવભૂમિ દ્વારકામાંથી પાકિસ્તાન માટે જાસુસી કરનાર ઝડપાયો
અમદાવાદઃ ગુજરાત એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) એ ભારતીય સુરક્ષા એજન્સીઓની જાસૂસી કરવાના આરોપસર દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામાંથી દિનેશ ગોહિલ નામના વ્યક્તિની ધરપકડ કરી છે. પકડાયેલ આરોપી ખાનગી કંપનીમાં નોકરી કરે છે અને ઓખાનો રહેવાસી હોવાનું કહેવાય છે. સાહિમા નામની પાકિસ્તાની એજન્ટ સોશિયલ મીડિયા પર આરોપી દિનેશ પાસેથી સંવેદનશીલ માહિતી મેળવી રહી હતી. તેના બદલામાં તે રોજના 200 રૂપિયા દિનેશને મોકલતી હતી.
ગુજરાત એટીએસ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ છેલ્લા ત્રણ વર્ષથી ઓખાની જેટી પર કોસ્ટ ગાર્ડ બોટનું સમારકામ કરતો દિનેશ 7 મહિના પહેલા ફેસબુક પર સાહિમા નામની પ્રોફાઈલના સંપર્કમાં આવ્યો હતો. સાહિમાએ પોતાનો પરિચય એક મહિલા તરીકે આપ્યો અને કહ્યું કે તે પાકિસ્તાન નેવી માટે કામ કરે છે. સહીમાએ પણ વોટ્સએપ દ્વારા દિનેશનો સંપર્ક કર્યો હતો. સાહિમા સાથે વાત કરતાં દિનેશે પોતે ઓખા બંદર પર ડિફેન્સ બોટ માટે વેલ્ડીંગ અને ઈલેક્ટ્રીકલ કામ કરતો હોવાનું જણાવ્યું હતું.
પાકિસ્તાની મહિલા સાહિમાએ દિનેશને ઓખા બંદર પર કોસ્ટ ગાર્ડ જહાજનું નામ અને નંબર મોકલવા માટે રોજના 200 રૂપિયા આપવા કહ્યું હતું. આ લોભના કારણે દિનેશે દરરોજ ઓખા જેટી પર જઈને ત્યાં હાજર બોટનો નંબર અને નામ વોટ્સએપ દ્વારા સહીમાને મોકલવાનું શરૂ કર્યું હતું. તેના બદલામાં દિનેશે છેલ્લા 7-8 મહિનામાં તેના મિત્રોના UPI લિંક્ડ બેંક એકાઉન્ટમાં 42 હજાર રૂપિયા જમા કરાવ્યા. હાલ એટીએસ આરોપી યુવક પાસેથી માહિતી એકઠી કરી રહી છે.
આ પહેલા પણ આજ મોડેશ ઓપરેન્ડી મુજબ પોરબંદરનો એક યુવક ભારતીય સુરક્ષા એજન્સીની બોટને લગતી માહિતી અને ફોટા સોશિયલ મીડિયા દ્વારા પાકિસ્તાની એજન્ટને મોકલતો હતો.